ઉત્સવોની ઉજવણીમાં હંમેશા આગવી ઓળખ ધરાવતું સુરત શહેર ફરી એકવાર ઉતરાયણના તહેવારે રંગે રંગાયુ હતું. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર સપ્તાહની વચ્ચે બુધવારે આવ્યો હોવા છતાં સુરતીઓના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નહોતી. બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ટેરેસ પર પતંગ- ફિરકી સાથે ખાણી પીણી ની અનેક વાનગીઓ સાથે પહોંચી ગયા હતા. ઉત્તરાયણના દિવસે પવને પણ સાથ આપતા પતંગ ચગાવવાનો ઉત્સાહ આસમાન પર પહોંચી ગયો હતો અને સુરતીઓએ મન મુકીને ઉત્તરાયણની મજા માણી હતી. સુરતીઓએ રોજીંદા કામકાજ અને મોંઘવારીની બુમ વચ્ચે પણ સુરતીઓએ તમામ બંધનો ભૂલીને પરંપરાગત ઢબે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરી હતી. સુરતમાં દિવસે પતંગબાજીથી તો રાત્રીના આતાશબાજી વિવિધ કલરોથી આકાશ ઉભરાઈ ગયું હતું.
ગઈકાલે બુધવારે ઉત્તરાયણના દિવસે સુરતમાં વહેલી સવારથી જ રહેણાંક સોસાયટી ના મકાન અને એપાર્ટમેન્ટના ટેરેસ પર સુરતીઓ પતંગ ફીરકી લઈ પહોંચી ગયા હતા. અનેક શોખીન લોકોએ ટેરેસ પર ડીજે અને સ્પીકર જેવા ઉપકરણ મૂકીને પોતાના મનપસંદ ગીત મૂકવાનું શરૂ કરી દીધું હતું. પોતાનું પસંદગીનું મ્યુઝિક અને પવનના સાથ ના કારણે સુરતીઓની ઉત્તરાયણની ઉજવણી ભવ્ય બની ગઈ હતી.

ઉત્તરાયણના દિવસે સુરતીઓએ પવનના સથવારે મન મુકીને પતંગ ચગાવ્યા હતા જેના કારણે દિવસ દરમિયાન સુરતમાં આકાશ વિવિધ કલર અને વિવિધ આકારના પતંગોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું. શહેરના આકાશમાં દિવસભર વિવિધ રંગોના પતંગો લહેરાતા રહ્યા હતા, જેને કારણે સમગ્ર સુરતમાં ઉત્તરાયણનો માહોલ છવાઈ ગયો હતો. દરેક ટેરેસ પરથી “લાપેટ”, “કાઈ પો છે” જેવા શબ્દો સંભળાતા રહ્યા હતા. ત્યારબાદ સૂરજ અસ્ત થતાંની સાથે જ સુરતમાં ઉતરાયણ નહીં પરંતુ દિવાળી હોય તેવો માહોલ ઉભો થયો હતો. દિવસ દરમિયાન પતંગ ચગાવતા સુરતીઓ રાત્રિના સમયે સુરતીઓએ આતશબાજી અને ફટાકડા એવી રીતે ફોડ્યા હતા કે સુરતનું આકાશ આતશબાજીની રંગોળી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક વખતથી મોંઘવારીની વાત થઈ રહી હતી પરંતુ સુરતીઓએ મોંઘવારીની પેચ કાપીને ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરી હતી. ઉત્તરાયણ આ વર્ષે બુધવાર હોવા છતાં પણ વહેલી સવારથી મોડી સાંજ સુધી બાળકો- યુવાનો વડીલો ટેરેસ પર પતંગ યુદ્ધ કર્યું કર્યું હતું જેના કારણે સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.
ખાણી પીણીની વિના સુરતીઓની ઉત્તરાયણ અધુરી
સુરતીઓએ ઉંધીયુ- જલેબી સાથે અન્ય વાનગી ની ધાબા પાર્ટી કરી
ખાણી પીણીના શોખીન સુરતીઓની ઉત્તરાયણ ખાણીપીણી વિના અધૂરી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણના દિવસે ઊંધિયા પાર્ટીનો ટ્રેન્ડ બરોબરનો જામ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણના દિવસે સુરતીઓએ ઉંધીયુ- જલેબી સાથે અન્ય વાનગી ની ધાબા પાર્ટી કરી જલ્સો કર્યો હતો..
સુરતમાં ઉત્તરાયણના દિવસે અનેક લોકોએ ટેરેસ પાર્ટી કરી હતી. પરિવાર અને મિત્રો સાથે ઉંધીયુ-પુરી અને જલેબીની પાર્ટી અનેક ટેરેસ પર થતી જોવા મળી હતી. જેના કારણે આ દિવસે સુરતમાં હજારો કિલો ઉંધીયાનું વેચાણ થયું હતું. આ દિવસોમાં ઉંધીયાનું વેચાણ ધુમ થતું હોય 365 દિવસ ઉંધીયુ બનાવવા ફરસાણના વેપારી સાથે હવે કેટરિંગનું કામ કરતાં અને રસોઈયાઓ પણ ઉત્તરાયણના દિવસે ઉંધીયુ- જલેબી ના ધંધામાં હાથ અજમાવી લીધો હતો. આ દિવસે ઊંધિયું અને જલેબી સાથે સાથે અસલ સુરતી ફરસાણની પણ ડિમાન્ડ જોવા મળી હતી.










