ભરૂચ એસઓજી પોલીસની ટીમે પાછલા બે દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરી રહેલ ૩ વેપારીઓને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી રૂ. 1.60 લાખ ઉપરાંતનો ઈ સિગારેટ તથા અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કરી જે તે પોલીસ મથકે ગુના રજીસ્ટર કરાવ્યા હતા.
ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેઝી બાઈટ નામની દુકાનમાં રૈયાન પટેલ તથા સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતો ઇમરાન આદમ પટેલ પોતાના ઘરે ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી રૈયાન ઈમ્તિયાઝ પટેલ (રહે- શેરપુરા નવીનગરી ભરૂચ) અને ઇમરાન આદમ પટેલ (રહે- સીતપોણ, ટંકારીયા રોડ)ને ઝડપી પાડી ઇ સિગારેટ, ફ્લેવર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અબરાર પટેલ અને ઉસ્માન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ ગઈ તા. 23 ઓગષ્ટના રોજ મદીના હોટલ પાસે મદીના પાન પોઇન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો વ્યક્તિ પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી મોહમ્મદજૈનુલઆબેદિન મોહમ્મદ નહિનઇમ નાગોરી (રહે- મદીના હોટલ પાસે, નાગોરી વાડ ,ભરૂચ) ને ઝડપી પાડી રૂ. 27,600ની કિંમતની ઇ સિગારેટ તથા ફ્લેવર રીફિલનો જથ્થો જપ્ત કરી મોહમ્મદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.