પાલનપુર, એબીએનએસ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ શહેર ખાતે નાગરિકો સાથે મકરસંક્રાંતિનો પર્વ પરંપરાગત રીતે અને ધામધૂમથી ઉજવ્યો હતો. આ પ્રસંગે શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મકરસંક્રાંતિના પાવન અવસરે અધ્યક્ષશ્રીએ રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પવિત્ર દિવસે થરાદ શહેરના પ્રજાજનોને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા થરાદ નગરપાલિકાને “ક” વર્ગમાંથી ઉન્નત બનાવી “અ” વર્ગની નગરપાલિકા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધ્યક્ષએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી હવે થરાદ શહેરના વિકાસ માટે અગાઉ મળતી ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટના સ્થાને ૧૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. સાથે જ નગરપાલિકાના મહેકમમાં પણ નોંધપાત્ર વધારો થશે અને અગાઉના ૬૦ કર્મચારીઓની જગ્યાએ ૧૬૫ કર્મચારીઓનું મહેકમ ઉભું થશે. દર વર્ષે અંદાજે ૨૫ કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ ઉપલબ્ધ થવાથી થરાદ શહેરનો સર્વાંગી વિકાસ થશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આવનારા સમયમાં થરાદ શહેર જિલ્લા કક્ષાની નગરપાલિકા તરીકે વિકસશે તેમ તેમણે જણાવ્યું હતું.
અધ્યક્ષએ ઉત્તરાયણના પર્વનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણ એ અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રાનું પ્રતિક છે. આ પાવન દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને પૃથ્વી પર નવી ઉર્જાનો સંચાર થાય છે. ઉત્તરાયણ દાન-પુણ્યનો તહેવાર છે, જેમાં ગૌમાતાને ગોળ અને ઘાસ ખવડાવવું, પક્ષીઓને દાણા નાખવા અને સૂર્યપ્રકાશમાં પતંગ ચગાવવાની પરંપરા રહી છે.
તેમણે નાગરિકોને સંવેદનશીલતા સાથે ઉત્સવ ઉજવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને સાંજના સમયે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હોય છે, તેથી સાંજના ૫ વાગ્યા પછી પતંગ ન ઉડાડવા નાગરિકોને અપીલ કરી હતી. આ ઉજવણી દરમિયાન થરાદના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.










