Surat Corporation : સુરતપાલિકા વિસ્તારમાં વિવિધ સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા કોઈ પણ જાતની સલામતી વિના આડેધડ ખોદાણ થઈ રહ્યું છે. આ પહેલા વરાછાના પુણા વિસ્તારમાં સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા ખોદાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા આડેધડ ખાડા ખોદી વાહન ચાલકો માટે આફત ઉભી કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી આ સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે.
સુરતમાં અમરોલી-વરિયાવ રોડ પર સ્ટ્રોમ ડ્રેનેજમાં બે વર્ષના કેદારનું મોત બાદ તંત્ર અને શાસકોએ શહેરમા જોખમી ડ્રેનેજના ઢાંકણ શોધવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ પાલિકા વિસ્તારમાં વિવિધ સર્વિસ આપતી સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા સલામતી વિના ખાડા ખોદવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. પુણા વિસ્તારમાં આવેલી સરગમ સોસાયટી-શાંતિનિકેતન સોસાયટી-રાધાકૃષ્ણ સોસાયટી સહિત અનેક સોસાયટીનો રોડ જાય તે રોડ પર સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા સાતેક દિવસ પહેલા પાંચથી સાત ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ આ ખાડા આસપાસ કોઈ બેરીકેટ કરવામાં આવ્યા નથી.
આ ફરિયાદનો હજી અંત આવ્યો નથી ત્યાં શહેરના રાંદેર ઝોન વિસ્તાર સહિત અનેક ઝોનમાં સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે. ખાડાની આસપાસ કોઈ બેરીકેટ નથી અને ખાડાની આસપાસ માટીના ઢગ કરવામા આવે છે. અંધારામાં કોઈ વાહન આ ખાડામાં પડી જાય અને કોઈનો જીવ જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રમતા બાળકો પણ આ ખાડામાં પડી જાય તેવી ભીતિ હોવાથી આવી કામગીરી કરતા સર્વિસ પ્રોવાઈડર સામે પગલાં ભરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.