પટણા,
તા. ૧૪
બિહારના પાટનગર પટણામાં ત્રણ દિવસ પહેલા મુખ્યપ્રધાન
નીતીશકુમારે જેપી ગંગા પથ (જેપી સેતુ)નું ઉદ્ઘાટન કર્યુ હતું. જો કે ત્રણ દિવસમાં
જ આ પુલમાં મોટી મોટી તિરાડો જોવા મળી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં
બ્રિજ પર પડેલી તિરાડો સ્પષ્ટપણે જોઇ શકાય છે.
પટણાના જેપી ગંગા પથને ૩૮૩૧ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર
કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ પહેલા જ મુખ્યપ્રધાન નીતીશકુમારે તેનું ઉદ્ઘાટન
કર્યુ હતું. આ તિરાડો દીદારગંજની પાસ પુલના પિલર નંબર એ-૩ની પાસે દેખાઇ રહી છે. આ
તિરાડો બ્રિજની બંને લેનમાં દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ૯ એપ્રિલે મુખ્યપ્રધાન નીતીશકુમારે પટણાના
કંગન ઘાટથી દીદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્ટેજ પર બિહારના બંને ઉપ મુૂખ્યપ્રધાન સમ્રાટ
ચૌધરી અને વિજયકુમાર સિન્હા,
પથ નિર્માણ મંત્રી નિતિન નવીન,
વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ અને અનેક વરિષ્ઠ અધિકારી તથા જનપ્રતિનિધિ હાજર
હતાં.
જો કે લોકાર્પણ પછી જ્યારે બ્રિજ પર વાહનોની અવરજવર શરૃ થઇ
તો આ માર્ગ પર વાહનોનું દબાણ પડવું શરૃ થયું જેના કારણે સડક પર તિરાડો દેખાવા
લાગી.
નિષ્ણાતો અને સામાન્ય પ્રજાના જણાવ્યા અનુસાર આ તિરાડો
દર્શાવે છે કે નિર્માણ વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એવા પ્રશ્નો
પણ ઉઠી રહ્યાં છે કે શું આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ પુલનું
ઉદ્ઘાટન ઉતાવળમાં કરી નાખ્યું છે.
આંધી અને વરસાદની વચ્ચે મુખ્યપ્રધાનનું ઉદ્ઘાટન
કાર્યક્રમમાં પહોંચવુ અને તે પુલ પર તિરોડો પડવી દર્શાવે છે કે ઉદ્ઘાટન પહેલા
ટેકનિકલ પરીક્ષણ અને સેફટી ચેક સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું ન હતું.