Amedabad News : ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ કરેલાં દબાણો પર તંત્રએ બુલડોઝર વાળી કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સ્થાનિક પોલીસને સાથે રાખીને શહેરના વસ્ત્રાલ, શાહીબાગ, સરદારનગર, દરિયાપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં દરિયાપુરના મનપસંદ જીમખાના સહિત અનેક સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી.
અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કામગીરી
અમદાવાદના સરખેજ, સરદારનગર, જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. SMC દ્વારા 15થી વધુ બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી તૈયાર કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુખ્યાત બુટલેગર સાવન દિદાવાલા ઉર્ફે છારાએ સરદારનગરના છારાનગર વિસ્તારમાં બે માળનો ગેરકાયદેસર બંગલો અને સૈજપુર બોઘા મહાજનીયા વાસમાં ત્રણ માળનું ગેરકાયદેસર મકાન સહિત ચાદરથી ઢંકાયેલી દુકાન બનાવી હતી, જેને SMCની ટીમે દ્વારા કામગીરીના ભાગ રૂપે બંને બાંધકામો તોડી પાડ્યા હતા.
દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર હથોડા
જ્યારે જાણીતા જુગારી ગોવિંદ ઉર્ફે ગામો પટેલની માલિકીનું ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. ગોવિંદે દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર રીતે ત્રીજો માળ બનાવ્યો હતો, જે કાર્યવાહી દરમિયાન તોડી પાડવામાં આવ્યો હતો. ડિમોલિશનની કામગીરી દરમિયાન SMCના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર હતા. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ
SMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ એક મોટી ઝુંબેશનો ભાગ છે જ્યાં SMC એ બુટલેગિંગ અને જુગારના કેસોમાં સંડોવાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલી 16 મિલકતોની ઓળખ કરી છે. આ આરોપીઓના તમામ ગેરકાયદેસર બાંધકામો 72 કલાકની અંદર તોડી પાડવામાં આવશે. ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગેરકાયદેસરના બાંધકામોને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. આવા તત્ત્વો સામે કોઈપણ ભેદભાવ વિના કાર્યવાહી ચાલુ રહેશે.’