અમદાવાદ : નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન ન કરવાને કારણે લગભગ ૪૫૦ પ્રમોટરોના ડીમેટ ખાતામાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. સ્ટોક એક્સચેન્જે ગત વર્ષે આ પ્રકારના વધુ ખાતા જપ્ત કર્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલના ડેટા અનુસાર, બીએસઈએ ૪૫૭ કંપનીઓના પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કર્યા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ૫૪૫૨ કંપનીઓ લિસ્ટેડ હતી, જેમાંથી ૪૪૬૩માં માર્ચ, ૨૦૨૫ સુધી ટ્રેડ થઈ હતી. ફ્રીઝ કરાયેલા પ્રમોટર ખાતા વર્ષ દરમિયાન ટ્રેડ થયેલી કંપનીઓના દસમા ભાગ કરતાં વધુ કંપનીઓને આવરી લે છે. મર્યાદિત કામગીરી ધરાવતી કેટલીક જૂની લેગસી કંપનીઓ સહિત સૌથી વધુ કંપનીઓ બીએસઈ પર લિસ્ટેડ છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ૨૭૨૦ લિસ્ટેડ કંપનીઓ છે અને એનએસઈએ ૭૩ કંપનીઓના ડીમેટ ખાતા ફ્રીઝ કર્યા છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ ૨૬૩ લિસ્ટેડ કંપનીઓમાંથી ૩૬ સ્થગિત કરી છે. તમામ એક્સચેન્જ પર જપ્તીના આંકડા ગત વર્ષ કરતાં મોટાભાગે વધ્યાં છે પરંતુ ૨૦૨૨-૨૩ કરતા ઓછા છે.
સેબીએ તાજેતરમાં જ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી છે, જેમાં લિસ્ટેડ એન્ટિટીઝ દ્વારા સેબી રેગ્યુલેશન્સ, ૨૦૧૫ની જોગવાઈઓનું પાલન ન કરવાના કિસ્સામાં સ્ટોક એક્સચેન્જ દ્વારા લેવામાં આવનારા દંડાત્મક પગલાં જેવા કે દંડ અને જપ્તી સહિતની રૂપરેખા આપવામાં આવી છે.