– ગુનેગારો, લુખ્ખાઓ સામે ‘નરમ’ પોલીસ આખરે ‘ગરમ’ બની
– ગુનાઇત ઇતિહાસ ધરાવતા શખ્સોેને પોલીસ ટ્રેનિંગ સેન્ટરે બોલાવીને કોઇ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં કરવા કડક તાકીદ
– જિલ્લામાં 68 અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કાપી રૂ.૩૫.૬૨ લાખનો દંડ ફટકારાયો ઃ ગેરકાયદેસર બાંધકામ-દબાણ પણ જાતે દુર કરવા કડક તાકીદ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર પોલીસ ડિવીઝન દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાના ભાગરૂપે અલગ-અલગ પોલીસ મથકોની હદમાંથી અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સોની યાદી તૈયાર કરી હતી અને અંદાજે ૧૫૦થી વધુ અસામાજીક તત્વોને પોલીસ ટ્રનિંગ સેન્ટર ખાતે બોલાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં કરવા સમજણ આપવામાં આવી હતી. જ્યારે જિલ્લાભરમાં ૬૮ જેટલા અસામાજીક તત્વોના ઘરમાંથી ગેરકાયદે વીજ જોડાણ ઝડપાતા વીજ જોડાણ કાપી ૩૫.૬૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સાયલાના ડોળીયા પાસે કેમિકલ ચોરીના આરોપીની હોટલમાંથી ગેરકાયદે બાંધકામ તોડી કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળ આવતા એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, મુળી, લખતર સહિતના પોલીસ મથકોની હદમાં નોંધાયેલ પ્રોહિબીશન, જુગાર, ખનીજચોરી, શરીર તેમજ મિલ્કત સબંધી, અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી. અંદાજે ૧૫૨ જેટલા અસામાજીક તત્વોને સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાટર ખાતે આવેલ ડીટીસી હોલ ખાતે બોલાવી ૧૦૦ કલાક ઝુંબેશ અંતર્ગત ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી તેમજ અસામાજીક તત્વોને રાઉન્ડઅપ કરી તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પુછપરછ કરી જે તે પોલીસ અધિકારીને આવા અસામાજીક તત્વો પર સતત વોચ રાખવાની સુચનાઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ કે દબાણ જાતે દુર કરવા માટેનું અલીટીમેટમ આપવામાં આવ્યું હતું અને જો દબાણો જાતે દુર નહિં કરે તો સ્થાનીક પાલીકા કે ગ્રામ પંચાયત તેમજ પીજીવીસીએલની ટીમોને સાથે રાખજી અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ અધિકારીઓ દ્વારા જણાવ્યુું હતું. જ્યારે અલગ-અલગ પોલીસ મથકના અસામાજીક તત્વો વિરૂધ્ધ કુલ ૬૮ ગેરકાયદેસર વિજકનેકશન ઝડપાતા રૂા.૩૫,૬૨,૦૮૫નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ તકે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
– જોરવરનગર પોલીસ મથકની હદમાં ૧૪ અસામાજિક તત્વોના વીજ કનેક્શન કાપ્યા
જોરાવરનગર પોલીસે પોલીસ મથકની હદમાં જુદા જુદા ગુનામાં પકડાયેલ આરોપીઓના ઘેર ચેકિંગ કરતા ૧૪ અસામાજીક શખ્સો યાકુબખાન કાળુખાન પઠાણ, ફિરોજ કાળુખાન પઠાણ, ઈમ્તીયાઝ રફીકભાઈ માલાણી, ગુલામહુશેન જુમાભાઈ માલાણી, રોનક મહેબુબભાઈ મોવર, ઈરફાનભાઈ કાસમભાઈ માલાણી, ફરિદાબેન કાદરભાઈ કટીયા, ખેરૂનબેન સીકંદરભાઈ કટીયા, અનીસ રફીકભાઈ માલાણી, ફિરોજ દિલુભાઈ કટીયા, મહંમદભાઈ કરીમભાઈ સામતાણી, કાસીમ રહીમભાઈ જેડા (તમામ રહે.રતનપર), રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ સાગરભાઈ કણજરીયા (રહે.વસ્તડી તા.વઢવાણ) ગેરકાયદેસર વીજ કનેકશન લઈ વીજ ચોરી કરતા વીજ જોડાણ કાપી રૂા.૧૦.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
– ડોળિયા પાસે સૂર્યરાજ હોટલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
સાયલા ઃ સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ, જુગાર, કેમિકલ ચોરી, ગેરકાયદે બાંધકામ સહિતના ગુનામાં ઝડાપેયાલ ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. જેમાં સાયલામાં કેમિકલ ચોરીના કેસમાં ઝડપાયેલા રિવરાજ પટગીરની હોટલ સૂર્યરાજનો સમાવેશ કરતા લીંબડી ડીવાયએસપી, સાયલા પીએસઆઇ સહિતની ટીમોએ ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં સાયલા હાઇવે ઉપર ડોળીયા ગામ પાસે આવેલા સર્વે નંબર ૪૧૬ વાળી જમીનમાં હોટલની જગ્યામાં થયેલા બાંધકામ અને નકશામાં ફેરફાર જણાતા લીંબડી ડીવાયએસપી, સાયલા પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાની હાજરીમાં બે જેસીબી વડે ઉભું કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.