![]()
મુંબઈ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની પ્રતિકૂળ અસર પ્રત્યે ચિંતા વ્યકત કરતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું કે, ભારત પાસે મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે તેના અર્થતંત્ર પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે ભારત તેની ઊર્જા આવશ્યકતા માટે આયાત પર વધુ નિર્ભર રહે છે.
ભારત, થાઈલેન્ડ, દક્ષિણ કોરિઆ, સિંગાપુર તથા વિયેતનામ જેવા કેટલાક એશિયન દેશો તેમના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ની સરખામણીએ આયાતી ઊર્જા પર વધુ આધાર રાખી રહ્યા છે.
ઊંચી આવશ્યકતા છતાં, ભારત પાસે ઊર્જા રિઝર્વ્સ મર્યાદિત હોવાનો એજન્સી દ્વારા દાવો કરાયો છે. વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ્સ દસ દિવસના વપરાશ જેટલુ જ આવરણ ધરાવે છે, જ્યારે કમર્સિઅલ ઓઈલ જથ્થો અંદાજે ૬૫ દિવસનો પૂરવઠો પૂરો પાડતો હોય છે.
યુદ્ધ અથવા અન્ય આફતોને કારણે ક્રુડ તેલનો નિયમિત પૂરવઠો અટકી જાય તો તેવા સમયે ઉપયોગમાં લેવા માટે વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ્સ જાળવવામાં આવે છે.
લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) તથા લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)નું રિઝર્વ્સ પણ અંદાજે અનુક્રમે ૨૫-૩૦ દિવસ અને ૧૦-૧૨ દિવસ ચાલે એટલું છે.
ભારત તેના ક્રુડ તેલની આવશ્યકતામાંથી ૮૫ ટકા જેટલું આયાત કરે છે. વિશ્વમાં ભારત ઓઈલનો ત્રીજો મોટો વપરાશકાર દેશ છે. દેશનું દૈનિક ક્રુડ તેલ વપરાશ ૫૮ લાખ બેરલ છે. આમાંથી અંદાજે પ૦ ટકા હોર્મુઝ ખાડી મારફત દેશમાં આવે છે.
ભારતમાં વપરાતા એલપીજીમાંથી ૫૫ ટકા અને એલએનજીના ૩૦ ટકા હોર્મુઝ ખાડી મારફત આયાત થાય છે.
રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની ભારતને છૂટ મળી છે પરંતુ હાલની સ્થિતિને જોતા રશિયાનું તેલ પણ ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડશે. ઊર્જા પૂરવઠાના આંચકા એશિયાના મોટાભાગના દેશોને દઝાડશે કારણ કે મોટાભાગના દેશો આયાતી ઊર્જા પર નિર્ભર છે.










