અમદાવાદ : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) હજુ પણ ટાટા જૂથની સૌથી મૂલ્યવાન કંપની છે, પરંતુ તાજેતરના વર્ષોમાં જૂથની એકંદર માર્કેટ મૂડીમાં તેનું યોગદાન ઘટયું છે. ટાટા ગુ્રપની તમામ લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ટીસીએસનો હિસ્સો ઘટીને ૪૪.૮ ટકા થયો છે, જે માર્ચ ૨૦૦૯ પછીનું સૌથી નીચું સ્તર છે. માર્ચ ૨૦૨૦માં, ગુ્રપની માર્કેટ મૂડીમાં કંપનીનો હિસ્સો ૭૪.૪ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ટ્રેડિંગના અંતે ટીસીએસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૧૧.૯૪ લાખ કરોડ હતું, જ્યારે ટાટા ગુ્રપની કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન તે દિવસે રૂ. ૨૬.૬૧ લાખ કરોડ નોંધાયું હતું. ટીસીએસની માર્કેટ મૂડીમાં ગયા વર્ષે માર્ચથી ૧૫ ટકાનો ઘટાડો થયો છે. આ જ સમયગાળા દરમિયાન ટાટા ગુ્રપની કુલ માર્કેટ મૂડીમાં ૧૩.૩ ટકાનો ઘટાડો થયો છે.
કંપની ૨૦૦૪માં લિસ્ટેડ થઈ હતી અને ત્યારથી આટલા લાંબા ગાળા સુધી તેના શેરના ભાવ ક્યારેય આટલા નીચા સ્તરે રહ્યા ન હતા. માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં ટાટા ગુ્રપની કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૦.૭ લાખ કરોડ હતું, જે ટીસીએસ માટે રૂ. ૧૪.૦૫ લાખ કરોડ હતું. તેની સરખામણીમાં, ટીસીએસ ૨૫ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ રૂ. ૪૭,૨૩૨ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે લિસ્ટ થયું હતું અને લિસ્ટિંગના દિવસે ટાટા ગુ્રપની કુલ માર્કેટ મૂડીના ૪૯ ટકા હિસ્સો ધરાવે છે.
માર્કેટ કેપિટલાઇઝેશન ઉપરાંત, ગુ્રપના કુલ નફામાં ટીસીએસનો હિસ્સો પણ ઘટયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં જૂથની ૨૩ લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત ચોખ્ખા નફામાં ટીસીએસ લગભગ ૫૫ ટકા ફાળો આપે તેવી અપેક્ષા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં આ આંકડો ૬૪ ટકા હતો. જો કે, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં જૂથ આવકમાં તેનું યોગદાન નાણાકીય વર્ષ ૨૪ માં ૪૭.૧ ટકાના દાયકાના સૌથી નીચા યોગદાન કરતાં વધુ હોવાની અપેક્ષા છે.