Chardham Yatra Uttarakhand Government : ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલી આ એડવાઇઝરીમાં યાત્રાળુઓને યાત્રા શરુ કરતાં પહેલા પોતાનું હેલ્થ ચેક-અપ કરાવવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો
આ વખતે ઓનલાઇન- ઓફલાઇન બંને પ્રકારે નોંધણી કરી શકાશે
ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે, જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં આવેલું ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા અક્ષય તૃતીયાના તહેવાર પર ખુલશે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખુલશે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ ખુલશે અને હેમકુંડ સાહિબની યાત્રા 25 મેના રોજ શરુ થશે. આ વખતે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સાથે રાજ્ય સરકારે 40 ટકા ઓફલાઇન રજિસ્ટ્રેશન પણ કરવાનો નિર્ણય લીધો છે, જેથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી તેવા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.
હેલ્થ એડવાઇઝરીમાં શું શું માહિતી
આ એડવાઇઝરીમાં યાત્રાળુઓને યાત્રા પહેલાં ચાલવાનો, પ્રાણાયામ અને હૃદય સંબંધિ કસરતોનો અભ્યાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન ઘણા યાત્રાળુઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ થાય છે. તીર્થયાત્રાળુઓના મૃત્યુના સૌથી સામાન્ય કારણોમાં ઊંચાઈ પર થતી બીમારી, ઓક્સિજનનો અભાવ અને હૃદયરોગનો હુમલો શામેલ છે.
અધિકૃત રૅકોર્ડ પ્રમાણે ગયા વર્ષે યાત્રા દરમિયાન સ્વાસ્થ્યના કારણોસર 246 યાત્રાળુઓના મૃત્યુ થયા હતા. જ્યારે 2023માં 242 યાત્રાળુઓના મૃત્યુ થયા હતા. આ એડવાઇઝરી 12 ભાષાઓમાં જારી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓને તેમની સાથે પૂરતી માત્રામાં જરૂરી દવાઓ રાખવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો
મુસાફરી માટે શું કરવું?
એડવાઇઝરી પ્રમાણે યાત્રાળુઓએ આરોગ્ય અને પર્યટન રજિસ્ટ્રેશન ઍપ્લિકેશન પર ફરજિયાતપણે નોંધણી કરાવવી જોઈએ. મુસાફરી દરમિયાન તેમણે પૂરતું પાણી, સંતુલિત આહાર અને ગરમ પીણાં લેવા જોઈએ.
શું ન કરવું?
યાત્રા દરમિયાન દારૂ કે કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ન કરવું. ઊંઘની ગોળીઓ કે તીવ્ર પીડાની દવાઓ ન લો. આ ઉપરાંત, ધૂમ્રપાન કરવાનું પણ ટાળો.