Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી દેશ જ નહીં વિશ્વભરને હચમચાવી નાખ્યું છે. આતંકીઓએ ગઈકાલે (22 એપ્રિલ) પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોના જીવ લેતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. બીજીતરફ વિશ્વભરમાં પણ હુમલાના પડઘા પડ્યા છે. આ હુમલા વચ્ચે ઈઝરાયલે ભારતને જાહેરમાં સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે.
ગુનેગારો આપણે ડરાવવાનો પ્રયાસ કરતા રહે છે : ઈઝરાયલી રાજદૂત
દેશને હચમચાવી નાખતી ઘટના વચ્ચે ઈઝરાયલના રાજદૂત રુવેન અજારે કહ્યું કે, ગુનેગારો આપણને ડરાવવા માટે હંમેશા નવી રીત શોધવાનો પ્રયાસ કરે છે. આવી બાબતો પર આપણે નિશ્ચિત રૂપે ધ્યાન આપવું પડશે. આપણે જાણવું પડશે કે, તે લોકો કેવી રીતે વિચારે છે અને કેવી રીતે કામ કરે છે. આવા લોકો આવા કૃત્યો કરવાનું ચાલુ રાખશે, જોકે મને વિશ્વાસ છે કે, આપણે વધુ કટિબદ્ધ બનીશું અને જવાબી કાર્યવાહી કરીશું.’
ઈઝરાયલનું ભારતને સમર્થન
તેમણે કહ્યું કે, ‘આવી બાબતો સંપૂર્ણ રીતે ભારત સરકાર પર નિર્ભર છે. મને વિશ્વાસ છે કે, ભારત જાણે છે કે, આવા કૃત્યો વિરુદ્ધ કેવી રીતે કામ કરવું પડશે. આપણે ભૂતકાળમાં જોયું છે કે સરકારના પ્રયાસોને કારણે પરિસ્થિતિ કેવી રીતે સ્થિર થઈ છે. ખતરાનો સામનો કેવી રીતે કરવો, આતંકવાદ સામે લડવાની બાબતોમાં કેવી રીતે સુધારો કરવો, તે તમામ બાબતે આપણે સાથે મળીને સહયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ગુપ્ત માહિતી હોય કે પછી ટેકનોલોજીની પદ્ધતિ… આપણે તમામ મોર્ચે સાથે મળીને એકબીજાને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ.’
આ પણ વાંચો : અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય
સરહદ પારની પરિસ્થિતિ અંગે નિવેદન
ઈઝરાયલના રાજદૂતે કહ્યું કે, ‘ઈઝરાયલ કોઈપણ મુદ્દાઓ પર શું કરવું જોઈએ, તે નહીં કહે. મને વિશ્વાસ છે કે, ભારત સરકાર અને અહીંના અધિકારીઓ પાસે સરહદ પારના વિસ્તારની પરિસ્થિતિ અને આ મુદ્દાનો સામનો કેવી રીતે કરવો તે વિશે ઘણી સારી માહિતી હશે. અમે સામાન્ય રીતે પદ્ધતિ, ટેકનોલોજી અને ગુપ્ત માહિતી મામલે સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જે અમે ચાલુ રાખીશું.’
આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલો: ભાવનગરના પિતા-પુત્રના પાર્થિવ દેહને અમદાવાદ લવાયા, CM ભૂપેન્દ્ર પટેલ અંતિમ યાત્રામાં જોડાશે