![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શ્રી મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વ બજારની તેજી પાછળ સ્થાનિક ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૭૧થી ૪૫૭૨ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૬૧૯થી ૪૬૨૦ થઈ નીચામાં ભાવ ૪૪૮૨થી ૪૪૮૩ થઈ ૪૫૮૦થી ૪૫૮૧ ડોલર રહ્યા હતા.
ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સની વધઘટ તથા ક્રૂડની વધઘટ પાછળ વૈશ્વિક સોનામાં બેતફી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૬૧૪૫ વાળા રૂ.૧૪૬૪૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૭૩૩ વાળા રૂ.૧૪૭૦૦૦ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૦૧૩૫ વાળા વધી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૧.૨૫ વાળા નીચામાં ૬૯.૦૩ તથા ઉંચામાં ૭૩.૫૧ થઈ ૭૩.૧૮થી ૭૩.૧૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૨૩૨૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૬૪ થયા પછી નીચામાં ૧૦૦.૧૯ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ઘટતાં તથા ડોલર ઈન્ડેક્સમાં પણ પીછેહટ દેખાતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે સોમવારે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. તે આજે ઝડપી તૂટી નીચામાં ભાવ રૂ.૯૩.૮૮ થઈ રૂ.૯૩.૯૫થી ૯૩.૯૬ બોલાતા થયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૫ ડોલર થઈ ગયા હતા તે આજે નીચામાં ૧૦૪.૭૦ થઈ ૧૦૭.૩૦થી ૧૦૭.૩૫ ડોલર રહ્યા હતા. ઈરાન યુદ્ધ પૂરું કરવાની ઈચ્છા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે બતાવતાં ક્રૂડતેલના ભાવ તૂટયા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૧૦૦.૮૩ થઈ ૧૦૨.૮૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૮૩૩ તથા ઉંચામાં ૧૯૬૨ થઈ ૧૯૧૪થી ૧૯૧૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૯૨ તથા ઉંચામાં ૧૪૭૭ થઈ ૧૪૪૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૬૮ ટકા વધ્યા હતા જ્યારે એલ્યુમિનિયમના ભાવ ટનના ૩૪૦૦ ડોલર કુદાવી ૩૪૫૦ ડોલર આસપાસ બોલાતાં ચાર વર્ષની નવી ટોચ દેખાઈ હતી. એલ્યુમિનિયમમાં આવી તેજી છેલ્લે માર્ચ ૨૦૨૨માં દેખાઈ હતી.










