Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ તાબડતોડ નિર્ણયો લઈ રહી છે. પાકિસ્તાનના બહિષ્કાર વચ્ચે પાકિસ્તાન મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે પાકિસ્તાને નોટિફિકેશન જારી કરી છે. પાકિસ્તાને અરબ સાગર ક્ષેત્રમાં મિસાઈલ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. આ મિસાઈલ જમીન પર હુમલો કરનારી છે. જેનું પરીક્ષણ 24-25 એપ્રિલના રોજ કરાચી તટ પર થશે.
પાકિસ્તાને નોટિફિકેશન જાહેર કરી મિસાઈલ પરીક્ષણની માહિતી આપી હતી. ભારતની તપાસ એજન્સીઓએ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. આ મામલે ગૃહ મંત્રાલયના રૉ અને આઈબી ચીફના ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
મંગળવારે 22 એપ્રિલના રોજ સાંજે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવાયા હતા. આ હુમલામાં 28 લોકોના મોત અને 20થી વધુ ઘાયલ થયા હતાં. આ નિર્દયી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગઈકાલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજી પાકિસ્તાન સાથેની 65 વર્ષ જૂના સંધિ જળ કરાર પર રોક મૂકી છે. પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ કરાર પર પ્રતિબંધ લાગુ રહેશે.
સોશિયલ મીડિયા પર પણ બહિષ્કાર
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કાયદાકીય ધોરણે પાકિસ્તાન સરકારનું X હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગના પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ટ્વિટરે જણાવ્યું છે.