અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા ઓટોમેટેડ ટેલર મશીનો (એટીએમ) દ્વારા ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોનો નિયમિત પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ આ નિર્દેશ બેંકો અને રોકડ વ્યવસ્થાપન કંપનીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે.
સામાન્ય વ્યવહારોમાં વારંવાર ઉપયોગમાં લેવાતી ઓછી કિંમતની નોટો સુધી સામાન્ય લોકો સુધી પહોંચ સુધારવાના ઉદ્દેશ્યથી રિઝર્વ બેંકે આ નિર્દેશ આપ્યો છે. તેણે તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને આ નિર્દેશ આપ્યો છે.
બેંકો સામાન્ય રીતે એટીએમમાં ચારેય કેસેટ ૫૦૦ રૂપિયાની નોટોથી ભરે છે જેથી એટીએમમાં વારંવાર રિફિલ કરવાની જરૂર ન પડે. ઉદ્યોગના સહભાગીઓએ જણાવ્યું હતું કે બેંકોએ પરિસ્થિતિનો અંદાજ કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પરંતુ પુરવઠાની અછતને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે સપ્ટેમ્બરની સમયમર્યાદા પૂરી કરવી પડકારજનક રહેશે.
રિઝર્વ બેંકે ગ્રાહકો માટે સુવિધા સુધારવા માટે આ નિર્દેશ આપ્યો છે. એટીએમમાં તમામ મૂલ્યોની નોટો યોગ્ય પ્રમાણમાં હોવી જરૂરી છે. આ ગતિવિધીથી વાકેફ સુત્રોએ કહ્યું હતું કે આ માટે, એટીએમ વારંવાર રિફિલ કરવા પડશે. અગાઉ, બેંકો માંગને ધ્યાનમાં રાખીને ખાસ એટીએમમાં ઓછી કિંમતની નોટો ભરતી હતી. પરંતુ ઓછી કિંમતની બેંક નોટોની ઉપલબ્ધતા ચિંતાનો વિષય છે.
આરબીઆઈના ડેટા અનુસાર, કુલ ચલણમાં રહેલી નોટોમાં ૫૦૦ રૂપિયાની નોટોનો હિસ્સો માર્ચ ૨૦૨૦માં ૨૫.૪ ટકાથી વધીને માર્ચ ૨૦૨૫માં ૪૦.૯ ટકા થયો હતો. આ સમયગાળા દરમિયાન, ૨૦૦ રૂપિયાની નોટોનો હિસ્સો ૪.૬ ટકાથી વધીને ૫.૬ ટકા થયો હતો. પરંતુ ૧૦૦ રૂપિયાની નોટોનો હિસ્સો માર્ચ ૨૦૨૦ના અંતમાં ૧૭.૨ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૩ના અંતમાં ૧૩.૩ ટકા થયો અને પછી માર્ચ ૨૦૨૫ સુધીમાં વધીને ૧૪.૭ ટકા થયો હતો.
જો ઓછા મૂલ્યની નોટો સાથે કેસેટ લોડ કરવી હોય, તો આપણે ૧૦૦ રૂપિયા અથવા ૨૦૦ રૂપિયાની નોટો મૂકવા માટે તેને ફરીથી કેલિબ્રેટ કરવું પડશે. આનો અર્થ એ થયો કે એટીએમ અથવા સીઆઈટી (કેશ ઇન ટ્રાન્ઝિટ) વોલ્ટમાં જવું પડશે જેના માટે બેંકો અથવા સેવા પ્રદાતાઓએ વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે. પરંતુ સૌથી મોટો પડકાર આ નોટોની સતત ઉપલબ્ધતા છે.