(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇ (ફોરેન ડાયરેક્ટ
ઇન્વેસ્ટમેન્ટ)ની જોગવાઇ ધરાવતું વીમા સંશોધન બિલ આગામી ચોમાસુ સત્રમાં રજૂ
કરવામાં આવે તેવી શક્યતા છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બિલનું ડ્રાફ્ટ તૈયાર છે અને તેને
મંજૂરી માટે ટૂંક સમયમા કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીમંડળની
મંજૂરી પછી નાણા મંત્રાલયના તાબા હેઠળના ડિપાર્ટમેન્ટ
ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ વિભાગ બિલને સંસદમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૃ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયને આશા છે કે આગામી ચોમાસુ
સત્રમાં બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર સામાન્ય રીતે જુલાઇ મહિનામાં
શરૃ થાય છે.
ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન નિર્મલા સિતારમને ચાલુ વર્ષના
બજેટ ભાષણમાં નવી પેઢીના નાણાકીય
ક્ષેત્રના સુધારાઓના ભાગરૃપે વીમા સેક્ટરમાં વિદેશી રોકાણની વર્તમાન મર્યાદા ૭૪
ટકાથી વધારી ૧૦૦ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ વધારેલી મર્યાદા એ કંપનીઓ માટે
ઉપલબ્ધ બનશે જે પોતાનું સમગ્ર પ્રિમિયમ ભારતમાં
રોકાણ કરશે. વિદેશી રોકાણથી જોડાયેલ વર્તમાન અવરોધો અને શરતોની સમીક્ષા કરવામાં
આવશે અને તેમને સરળ બનાવવામાં આવશે.
નાણા મંત્રાલયે વીમા કાયદો, ૧૯૩૮ની વિભિન્ન જોગવાઇઓમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે
જેમાં વીમા સેક્ટરમાં પ્રત્યક્ષ વિરોધી રોકાણ વધારીને ૧૦૦ ટકા કરવા, પેઇડ અપ
કેપિટલમાં ઘટાડો કરવા અને સમગ્ર લાયસન્સની જોગવાઇ સામેલ છે.