![]()
Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા શોરૂમના ગોડાઉનમાંથી ચાવી સાથેના 31 એક્ટિવા ચોરાવાની સનસનાટીભરી ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. રૂ. 23.25 લાખની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
નિકોલના અક્ષર કોમ્પ્લેક્સમાં આવેલા ‘સિંગલ ઓટો મોટીવ પ્રા. લિ.’ નામના હોન્ડાના શોરૂમમાં ગત 1 જાન્યુઆરીએ 1200 એક્ટિવાનો સ્ટોક હતો. જોકે, 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે 31 એક્ટિવા ઓછા જણાયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, ગોડાઉનમાં ગાડીઓમાં ચાવીઓ લગાડેલી જ રહેતી હોવાથી કોઈ ‘જાણભેદુ’ વ્યક્તિ તક જોઈને એક પછી એક 31 વાહનો હંકારી ગયો હતો.
પોલીસ તપાસ અને પર્દાફાશ
ગઈકાલે મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ નિકોલ પોલીસે DCP ઝોન-5 ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ગોડાઉન અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા કેટલીક શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી.
મુદ્દામાલ રિકવર કરાયો
પોલીસે આરોપીઓની પૂછપરછ કરીને ચોરી થયેલા એક્ટિવા ક્યાં છુપાવ્યા હતા અથવા કોને વેચ્યા હતા તેની વિગતો મેળવીને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપીઓએ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન કઈ રીતે નજર ચૂકવીને આટલી મોટી સંખ્યામાં વાહનોની ઉઠાંતરી કરી તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ કેસના પર્દાફાશથી શોરૂમ સંચાલકોમાં રાહતની લાગણી પ્રસરી છે, તો બીજી તરફ પોલીસે વેપારીઓને પોતાના ગોડાઉન અને સ્ટોકની સુરક્ષા બાબતે વધુ સાવચેત રહેવા અપીલ કરી છે.
ચોર ગેંગ અને તેમની ગુના કરવાની પદ્ધતિ વિશે પોલીસે શું કહ્યું?
ડૉ. જીતેન્દ્ર અગ્રવાલ (DCP ઝોન-5, અમદાવાદ)એ આ મામલે જણાવ્યું કે, “અમદાવાદ શહેરના ઝોન-5 વિસ્તારમાં ખાસ કરીને જે નિકોલ, ઓઢવ અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી જે ઘરફોડ ચોરીઓના બનાવો બનતા હતા, એના અનુસંધાને આખી જે અમારી ટીમ છે – જેમાં નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઝાલા અને એમની સર્વેલન્સની ટીમ, તથા એસીપી એસ.ડી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આખી ટીમ આના પાછળ કાર્યરત હતી.
એમાં ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમને એક ચોક્કસ માહિતી મળી હતી કે, આમાં એક ચોક્કસ ગેંગ છે જે આ પ્રકારે ચોરીઓ કરે છે. આ ગેંગના જે મુખ્ય સાગરીતો છે એની અમે અટકાયત કરી છે. જેમાં મુખ્યત્વે જે આરોપી છે એનું નામ વિજય ઉર્ફે મામો છે. આ વિજય ઉર્ફે મામો એ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાયેલો છે અને એની સાથે એના બીજા ત્રણ સાગરીતો પણ પકડાયા છે.”
આ ગેંગની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા તેમણે કહ્યું કે, “આ લોકો ખાસ કરીને દિવસના સમયે રેકી કરતા હતા. જે મકાનો બંધ હોય અથવા જ્યાં લોકો બહાર ગયા હોય, એવા મકાનોને ટાર્ગેટ કરતા હતા. રાત્રિના સમયે આ લોકો બાઈક પર નીકળતા અને જે મકાનનું તાળું તોડવું સરળ હોય અથવા જે સોસાયટીમાં સિક્યુરિટી ઓછી હોય ત્યાં આ લોકો ત્રાટકતા હતા. તેમની પાસે ઘરફોડ ચોરી કરવા માટેના ખાસ સાધનો પણ મળી આવ્યા છે.
અત્યાર સુધીની પૂછપરછમાં આ ગેંગે નિકોલ અને ઓઢવ વિસ્તારના અંદાજે 7 થી 8 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે. તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ચોરીમાં વપરાયેલા વાહનો જેની અંદાજિત કિંમત લાખોમાં થાય છે, તે રિકવર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના
આ વિજય ઉર્ફે મામો એટલો રીઢો ગુનેગાર છે કે તે અગાઉ પણ જેલ જઈ આવ્યો છે અને પાસા (PASA) હેઠળ પણ તેની અટકાયત થયેલી છે. હાલમાં અમે આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે જાણી શકાય.”










