મુંબઈ : અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ નીતિને ધ્યાનમાં રાખી મુંબઈના સાંતાક્રુઝ ઈલેકટ્રોનિકસ એકસપોર્ટ પ્રોસેસિંગ ઝોન્સ (સીપ્ઝ) ખાતે કાર્યરત જ્વેલરી નિકાસ એકમોએ પોતાને ત્યાં તૈયાર થતી જ્વેલરીને સ્થાનિક બજારમાં વેચાણની છૂટ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
સીપ્ઝ ખાતેથી વર્ષે અંદાજે રૂપિયા ૨૭થી ૨૮ હજાર કરોડની જ્વેલરીની નિકાસ થાય છે, જેમાંથી ૮૦ ટકાથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. આ રજૂઆતને સરકારે ધ્યાનમાં લીધી છે અને તે વિચારણા હેઠળ છે એમ સીપ્ઝ જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
સીપ્ઝમાંના જ્વેલરી ઉત્પાદન એકમોને સ્થાનિકમાં વેચાણની છૂટ આપવા માટે સરકારે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ)નો દરજ્જો બદલવા ખાસ નોટિફિકેશન જારી કરવાનું રહેશે.
સીપ્ઝમાં અંદાજે ૨૦૦ જેટલા જ્વેલરી ઉત્પાદન એકમો આવેલા છે જ્યાં એક લાખ જેટલા લોકોને રોજગાર પૂરો પાડવામાં આવે છે. સીપ્ઝ ખાતેના ઉત્પાદન એકમો આંતરરાષ્ટ્રીય ધોરણના પ્રોડકટસ પૂરા પાડે છે, માટે જો તેમને સ્થાનિકમાં વેચાણની છૂટ અપાશે તો ઘરઆંગણે વૈશ્વિક સ્તરના પ્રોડકટસ જોવા મળશે.
અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફ નીતિની દેશના ગોલ્ડ તથા ડાયમન્ડ જ્વેલરીના નિકાસકારોને મોટો ફટકો પડવાની ભીતિ રહેલી છે. અમેરિકન ગોલ્ડ જ્વેલરી પર ભારત વીસ ટકા ડયૂટી વસૂલે છે જ્યારે ભારતની જ્વ ેલરી પર અમેરિકામાં ૫.૫૦થી ૭ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે. આ ઉપરાંત કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસ પર ભારતમાં પાંચ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે જ્યારે ભારતના આ પ્રોડકટસ પર અમેરિકા કોઈ ડયૂટી વસૂલતુ નથી.
રેસિપ્રોકલ યોજના હેઠળ અમેરિકા વિવિધ પ્રોડકટસની જેમ જ્વેલરી પર પણ વધુ ડયૂટી લાગુ કરશે તેવી શકયતા નકારાતી નથી.
દરમિયાન અમેરિકા તથા ચીન ખાતેથી માગ મંદ પડતા વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫૦ ટકા ઘટી રૂપિયા ૨૧૦૮૫ કરોડ રહી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આ અગાઉ જણાવ્યું હતું.
ઊંચા ટેરિફની સ્થિતિમાં નિકાસમાં વધુ ઘટાડો નકારી શકાય એમ નહીં હોવાનું પણ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.