(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
ઇડીએ ગોવામાં જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલા મની
લોન્ડરિંગ કેસમાં ૧૯૩.૪૯ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી ગોવા
પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને
આધારે કરવામાં આવી છે. જેમાં અનેક લોકો પર છેતરપિંડીથી જમીન પચાવી પાડવાનો આરોપ
મૂકવામાં આવ્યો છે.
છેતરપિંડી આચરનારાઓએ મૃત વ્યકિતઓના નામે નકલી દસ્તાવેજો
બનાવી પ્લોટ વેચી નાખ્યા હતાં.
ફેડરલ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાલાંગુટ, અસગાંવ, અંજુના, નેરુલ અને પારરા
સહિતના બાર્ડેઝ તાલુકા સ્થિત ૨૪ સ્થિર મિલકતોે ટાંચમાં લેવા માટે ૨૫ એપ્રિલે
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ
પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.
આ મિલકતો નકલી દસ્તાવેજોને આધારે થર્ડ પાર્ટીને વેચવામાં કે
ટ્રાન્સફર કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના જણાવ્યા અનુસાર
ટાંચમાં લેવામાં આવેલી મિલકતોનું બજાર મૂલ્ય ૧૯૩.૪૯ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું
છે.
ગોવા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા દાખલ
કરવામાં આવેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે છેતરપિંડી આચરનારાઓએ
મૃત્યુ પામેલા વ્યકિતઓ કે પૂર્વજોના નામે નકલી દસ્તાવેજો બનાવ્યા હતાં.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૩૨.૭૩ કરોડ રૃપિયાની સંપત્તિ
ટાંચમાં લેવામાં આવી છે. ૨૦૨૩માં ઇડીએ ૩૯.૨૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
હતી. ગયા વર્ષે એપ્રિલમાં આ કેસમાં ઇડીએ ગોવાના માપુસા સ્થિત સ્પેશિયલ પીએમએલએ
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.