વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં તાજેતરમાં લેવાયેલા બે પીએચડી વાઇવા(મૌખિક પરીક્ષા) માં યુનિવર્સિટી બહારથી આવતા પરીક્ષકનું નામ અગાઉથી જાહેર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ મુદ્દે સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્યે વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં બે પીએચડી સ્ટુડન્ટસના વાઇવા લેવાયા હતા અને તેનું નોટિફિકેશન નોટિસ બોર્ડ પર લગાવાયું હતું.જેમાં બહારથી આવનારા પરીક્ષકના નામનો પણ ઉલ્લેખ હતો.નિયમ પ્રમાણે પરીક્ષાને લગતી કામગીરી ગુપ્ત રાખવાની હોય છે.
પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીના કહેવા પ્રમાણે પરીક્ષા વિભાગના કન્ટ્રોલર ઓફ એક્ઝામ પ્રો.ભાવના મહેતા દલીલ કરી રહ્યા છે કે, બાહ્ય પરીક્ષકનું નામ જાહેર નહીં કરવો તેવો નિયમ નથી અને પીએચડીનો ઓપન ડિફેન્સ વાઈવા હોવાથી તેમાં આવતા પરીક્ષકનું નામ જાહેર કરી શકાય.તેમની આ દલીલ ખોટી છે.કારણકે ગઈકાલે, તા.૧૫ એપ્રિલે આર્ટસ ફેકલ્ટીમાં લેવાયેલા પીએચડી વાઈવાના નોટિફિકેશનમાં બહારથી આવેલા પરીક્ષકનું નામ જાહેર કરાયું નહોતું.પૂર્વ સેનેટ સભ્યે માગ કરી હતી કે, સમગ્ર મામલાની તપાસ કરવા કમિટિ બનાવવામાં આવે અને પ્રો.ભાવના મહેતાનું કન્ટ્રોલર ઓફ એક્ઝામ પદેથી રાજીનામુ લેવામાં આવે.