મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટાડે ફરી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારોમાં ફરી તેજી આવી હતી. ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૫૦૦ વધી ૯૯૫ના રૂા. ૯૬૭૦૦ તથા ૯૯૯ના રૂા. ૯૭૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૧૦૦૦ વધી રૂા. ૯૫૦૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૦૫થી ૩૨૦૬ વાળા વધી ૩૨૬૯ થઇ ૩૨૫૬થી ૩૨૫૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ વધ્યા પછી ફરી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો દાખલ થયા હતા.
અમેરિકામાં બેરોજગારીના દાવા વધી બે મહિનાની ટોચે ૨ લાખ ૪૧ હજાર આવ્યા હતા. જ્યારે ત્યાં એપ્રિલનો જોબ ગ્રોથ ઘટી ૧ લ ાખ ૭૭ હજાર આવ્યો હતો જે માર્ચમાં ૨ લાખ ૨૮ હજાર આવ્યો હતો. ત્યાં ટ્રમ્પની વિચીત્ર ટેરીફ ભિતીના પગલે રોજગારી ઘટયાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઇ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ૩૧.૮૦ વાળા વધી ૩૨.૭૧ થઇ ૩૨.૫૧થી ૩૨.૫૨ ડોલર રહ્યા હતા.
મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂા. ૯૩૫૭૮ તથા ૯૯૯ના રૂા. ૯૩૯૫૪ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂા. ૯૪૧૨૫ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, સરકારે ટેરીફ વેલ્યુ વધારતા સોના- ચાંદીમાં ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટી પણ વધ્યાનું મુંબઇ ઝવેરી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૭૬ થઇ ૯૭૩થી ૯૭૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી ૯૫૪ થઇ ૯૫૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૬૪ ટકા ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટયા હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના વધી ૬૨.૭૨ થઇ ૬૧.૯૫ ડોલર રહ્યા હતા. અમેરિકાએ ઇરાનના ક્રૂડ પર નવા પ્રતિબંધો લાદતા ભાવ વધ્યા હતા પરંતુ ત્યાર બાદ નવી માગ ધીમી રહેતા ભાવ ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા.