![]()
સાસણ ગીર પંથકની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ : પરોઢીયે લોકો ભરઉંઘમાંથી જાગી ગયા : ભયનો માહોલઃ બપોર સુધી ઉપરાઉપરી 6 આંચકાઓથી ધરતી ધણધણી
રાજકોટ, : ગીરનાર ફોલ્ટ્સ સહિત અનેકના ફોલ્ટ્સ ધરાવતા તેમજ હાઈ સરફેસ હીટ ફ્લક્સ સાથે ફ્રેક્ચર્ડ જમીન બંધારણ ધરાવતા તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહૌલ સર્જાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીમાં આજે તા. 15-5-2026ના 4 કલાક 13 મિનિટ 59 સેકન્ડે 21.118 અક્ષાંસ અને 79.481 રેખાંશ ઉપર જમીનમાં 10 કિલોમીટર ઉંડાઈએ 3.3 મેગ્નિડયુટનો ભૂકંપ નોંધાયો છે.
તાલાલા ગીરથી વિશેષ અહેવાલ મૂજબ આ ભૂકંપ આવતા લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા અને ભય અને ચિંતાનો માહૌલ છવાયો છે. આ આંચકા આવ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 5 આંચકા આવ્યા હતા જેમાં 4.13 વાગ્યે 3.0 બાદ સવારે 5.15 વાગ્યે 1.9, સવારે 5.19 વાગ્યે 2.2 મેગ્નિટયુડ, ચોથા આંચકો 5.25 વાગ્યે 1.5નો આંચકો આવ્યા બાદ બપોરે 12 વાગ્યા પછી ફરી કંપનનો સિલસિલો જારી રહ્યો હતો. જેમાં બપોરે 12.43 વાગ્યે 1.7ની તીવ્રતાનો અને છઠ્ઠો આંચકો 12.48 વાગ્યે 1.2ની તીવ્રતાનો નોંધાયો હતો. આમ, તીવ્ર આંચકા પછી પાંચ નાના આંચકા નોંધાયા હતા.
ઈન્ટેન્સિટી મેપ મૂજબ આંચકાનું કંપન ,મોજા છેક સોમનાથ, માંગરોળ, જુનાગઢ, જેતપુર, ધોરાજી, ખાંભા સુધી પહોંચ્યા હતા પરંતુ, તેના કંપનનો વધુ અનુભવ ગીર પંથકના તાલાલા ઉપરાંત હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, ધાવા, માધુપુર, આંકોલવાડી સહિત ગામોમાં થયો છે. ધોમધખતા તાપ વચ્ચે ઉપરાઉપરી આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. તાલાલા,સાસણ ગીર વિસ્તારના આ એરિયામાં વારંવાર ભૂકંપો સાથે અહીનું ભુતળ સૌથી સંવેદનશીલ બની રહ્યું છે.










