![]()
રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ધરણામાં કોંગ્રેસના ભાજપ પર પ્રહારો : મધ્યરાત્રિએ ધાડપાડુ ત્રાટકે તેમ મંદિરો પર મહાપાલિકાનું તંત્ર ત્રાટક્યું : શાસકોનાં ગેરકાયદે બાંધકામો અડીખમ રાખ્યાં
રાજકોટ, : રાજકોટમાં વોર્ડ નં. 12 ,13 સહિત મવડી વિસ્તારમાં પેટમાં પાપ હોય તેમ સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને બદલે મધ્યરાત્રિના દોઢ વાગ્યે મહાપાલિકાના ટી.પી.વિભાગે એક સાથે 10 મંદિરો જેમાં મોટાભાગના હનુમાનજીના મંદિરો હતા તેને તોડી પાડતા લોકોમાં વ્યાપેલા રોષના પગલે આજે કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડીને મંદિરનો ઓટલો તૂટયો,ભક્તોનો વિશ્વાસ અડીખમ વગેરે સૂત્રો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જણાવ્યું કે ભાજપે રામના નામે મત લીધા અને જીતી ગયા પછી હનુમાનજીના મંદિરો તોડી પાડયા છે.
ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ જાડેજા અને રાજાણીએ જણાવ્યું કે મધ્યરાત્રિના સૂમસામ સમયે ધાડપાડુઓ ત્રાટકે તેમ ભાજપનું તંત્ર મંદિરો તોડવા ચોરીછુપીથી ત્રાટક્યું હતું. ખરેખર ડિમોલીશન દિવસના સમયે કરવાનું હોય છે અને કરાતું હોય છે પરંતુ, હવે ભાજપને લોકોની આસ્થાની કોઈ પડી ન હોય તેમ આ મંદિરો તોડતા પૂર્વે કોઈ ધર્મગુરૂઓ,સોસાયટીના નાગરિકોને વિશ્વાસમાં લેવાની પણ તસ્દી લીધી નથી. કોંગ્રેસના કાર્યકરોએ હનુમાનજીની ગદા પ્રતિકાત્મક રીતે પ્રદર્શિત કરીને રોષપૂર્ણ દેખાવો યોજ્યા હતા.
નાનકડા મંદિરો તોડવામાં ઉત્સાહી સરકાર-મહાપાલિકાનું તંત્ર ભાજપના નેતાઓના અનધિકૃત બાંધકામો સામે ફરિયાદો છતાં તેને દૂર કરવાને બદલે ટકાવી રાખે છે તેવો આક્ષેપ પણ કરાયો હતો. વિશ્વહિન્દુ પરિષદ દ્વારા ભાજપની સરકારમાં મંદિરો તોડવાના કૃત્ય સામે હજુ રસ્તા પર ઉતરી આંદોલન કર્યું નથી પરંતુ, રોષપૂર્વક વિરોધ કર્યો છે. એક નિવેદનમાં ણાવ્યું છે કે મધ્યકાલીન યુગમાં ભારતમાં મુસ્લિમ આક્રમણખોરોએ અસંખ્ય મંદિરો તોડી પાડયા હતા ત્યારે હવે સરકારની ફરજ છે કે સનાતન સંસ્કૃતિના પ્રતિક એવા આ મંદિરોનું સંરક્ષણ કરવું જોઈએ. રાજકોટમાં મંદિરો-દેરી તોડવાની તજવીજ શરૂ થઈ ત્યારે જ વિહિપે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો, ટી.પી.ઓ. વગેરેને લોકોની આસ્થા જોઈને આ ડિમોલીશન નહીં કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, ભાજપના નેતાઓએ ખાત્રી પણ આપી પરંતુ, પાછળથી મધ્યરાત્રિએ મંદિર તોડયા છે.










