![]()
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત ખલેલને કારણે ઊભી થઈ રહેલી અનિશ્ચિતતા, આઈટી ખર્ચમાં ધીમી ગતિ તથા નબળા અર્નિંગ્સની ધારણાંને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ટેકનોલોજી સ્ટોકસમાં રોકાણમાં જોરદાર ઘટાડો જોવાયો છે.
એક બ્રોકરેજ હાઉસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે, મ્યુચ્યુઅલ ફન્ડોના પોર્ટફોલિઓમાં ટેકનોલોજી ક્ષેત્રને વેઈટેજ એપ્રિલમાં ઘટી ૬.૭૦ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું.
ટેકનોલોજી ક્ષેત્રને ફન્ડોનું વેઈટેજ એપ્રિલમાં એક વર્ષમાં ૧.૮૦ ટકા જેટલું ઘટી ગયું છે અને માર્ચની સરખામણીએ તેમાં ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.
છેલ્લા એક વર્ષથી નિફટી આઈટી ઈન્ડેકસ અન્ય ઈન્ડેકસોની સરખામણીએ નબળી કામગીરી દર્શાવી રહ્યો છે. ભારતની આઈટી કંપનીઓ એઆઈની પ્રારંભિક તકો કદાચ ગુમાવી રહી હોવા બાબતે ચિંતા વધી રહી છે.
વૈશ્વિક સ્તરે આઈટી ખર્ચમાં ઘટાડો, કરાર પ્રવાહમાં ઢીલ, અર્નિંગ્સ વૃદ્ધિમાં સ્થિરતા તથા ઘરેલુ રોકાણકારોની પ્રાધાન્યતા હાલમાં બદલાઈને ફાઈનાન્સિઅલ, મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્ર તરફ વળતા આઈટી સ્ટોકસમાં ફન્ડોના રસમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો હતો.
હાલની ભૌગોલિકરાજકીય સ્થિતિએ પણ ટેકનોલોજી ક્ષેત્રમાં ફાળવણી પર અસર કરી છે. અમેરિકા તથા યુરોપની બજારોમાં અનિશ્ચિતતાએ પણ ટેકનોલોજી સ્ટોકસ માટેના આકર્ષણમાં ઘટાડો કરાવ્યો હોવાનો મત વ્યકત કરવામાં આવ્યો છે.
બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડો ફાઈનાન્સિઅલ, ડિફેન્સ તથા મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ફાળવણી વધારી રહ્યા છે. ટૂંકા ગાળે આ ક્ષેત્રોમાં સારા અર્નિંગ્સની શકયતા જોવાઈ રહી છે. એઆઈની આગેવાની સાથેના ઓટોમેશન પરંપરાગત એવા મેનપાવર દ્વારા ચાલતા આઉટસોર્સિંગ વેપાર માટે ખલેલરૂપ બની જશે તેવી ધારણાં પ્રવર્તી રહી છે.










