![]()
Karnataka Political Crisis 2026: કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે યોજાનારી બ્રેકફાસ્ટ મીટિંગ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જવા માટે નિર્દેશ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે જ શુક્રવારે કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષની (CLP) બેઠક મળી શકે છે, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.
ડી.કે. શિવકુમાર રેસમાં સૌથી આગળ, ઘરની બહાર સમર્થકોની ભીડ
નેતૃત્વ પરિવર્તનના અહેવાલો વચ્ચે નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમારના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાને વહેલી સવારથી જ સમર્થકો એકઠા થવા લાગ્યા છે. પૂર્વ મેયર આર. સંપથ રાજ સહિતના મોટા નેતાઓ પણ શિવકુમારના ઘરે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સરકારે અઢી વર્ષ પૂરા કર્યા ત્યારથી જ નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ ચાલતી હતી અને હવે સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કરી લીધા છે ત્યારે આ નિર્ણય લેવાઈ રહ્યો છે. મંગળવારે જ સિદ્ધારામૈયા અને શિવકુમારે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી!
દિલ્હીથી હાઈકમાન્ડના દૂત બેંગલુરુ રવાના
કર્ણાટકમાં સત્તાના આ હસ્તાંતરણને સંભાળવા માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના (AICC) કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા અને સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ આજે જ બેંગલુરુ પહોંચી રહ્યા છે.
રાજ્યપાલ ઈન્દોર ગયા!
સિદ્ધારામૈયા આજે જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપે તેવી ધારણા હતી, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બુધવારે મોડી રાત્રે અંગત કારણોસર અચાનક ઈન્દોર રવાના થઈ ગયા છે. જોકે, તેઓ આજે જ પરત ફરે તેવી શક્યતા છે. રાજભવનના સૂત્રોના અનુસાર મુખ્યમંત્રીનું રાજીનામું રાજ્યપાલે રૂબરૂમાં જ સ્વીકારવું પડે છે. જો રાજીનામું વિશેષ સચિવને સોંપવામાં આવે, તો પણ તેને મંજૂર કરતા પહેલા રાજ્યપાલ માટે મુખ્યમંત્રીને વ્યક્તિગત રીતે મળવું અનિવાર્ય છે.
હવે આખીય કડી આજે બપોર પછી રાજ્યપાલના બેંગલુરુ પરત ફરવા અને સિદ્ધારામૈયાની જાહેરાત પર ટકેલી છે. શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ પણ કર્ણાટક આવી રહ્યા હોવાથી તે પહેલા જ રાજ્યપાલ પરત આવી જશે તેમ માનવામાં આવે છે.










