PM Narendra Modi Speech On Water Issue With Pakistan : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર આકરી કાર્યવાહી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાને રાખી આવતીકાલે (7 મે) દેશભરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે. દેશના લોકો માંગ કરી રહ્યા છે કે, આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. બીજીતરફ પાકિસ્તાનને ડર છે કે, ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.
પીએમ મોદીએ પાકિસ્તાનને આપ્યો જવાબ
આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરતાં પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે, ત્યારે આજે એક ખાનગી ચેનલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણી નદીઓનું પાણી દાયકાઓથી વિવાદ અને ઝઘડાનો વિષય બની ગયો છે, પરંતુ આપણી સરકારે રાજ્ય સરકારો સાથે મળીને નદીઓને જોડવાનું એક મહાઅભિયાન શરૂ કર્યું છે.
ભારતનું પાણી હવે ભારતના હકમાં જ વહેશે : પીએમ મોદી
તેમણે કહ્યું કે, ‘કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, પાર્વતી-કાલીસિંધ ચંબલ લિંક પ્રોજેક્ટથી લાખો ખેડૂતોને ફાયદો થશે. આજકાલ મીડિયામાં પાણી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલા જે પાણી ભારતનું હતું તે પણ બહાર જતું હતું, હવે ભારતનું પાણી ભારતના હકમાં વહેશે અને ભારત માટે જ ઉપયોગી થશે.’
આ પણ વાંચો : બ્લેક આઉટ સમયે નાગરિકોએ શું કરવું? ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરવી, લિફ્ટનો ઉપયોગ ના કરવો, જાણીલો ઉપયોગી માહિતી
દેશવાસીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ મળી રહ્યો છે : પીએ મોદી
આપણા દેશના પૂર્વ વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે, ‘જો સરકાર ગરીબ વ્યક્તિને એક રૂપિયો મોકલે છે, તો તેમાંથી 85 પૈસા લૂંટાઈ જાય છે. સરકારો બદલાતી રહી, વર્ષો વીતતા રહ્યા, પરંતુ ગરીબોને તેમના હકની સંપૂર્ણ રકમ મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ નક્કર કાર્ય કરાયું નહીં. ગરીબોને બધા પૈસા મળવા જોઈએ. જો દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, તો દરેક પૈસો તેમના સુધી પહોંચવો જોઈએ. આ માટે અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમ બનાવી, જેના કારણે સરકારી લાભાર્થીઓ સીધો લાભ પહોંચી રહ્યો છે.’
ભારતના બંદરો પર પણ પાકિસ્તાનને નો એન્ટ્રી
પહલગામ હુમલા બાદ સુરક્ષા મામલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાન સાથે વર્ષ 1960માં કરેલા સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સમજૂતી સસ્પેન્ડ જ રહેશે. કેન્દ્ર સરકારની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાની જહાજો ભારતીય બંદરો પર આવી શકશે નહીં. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલે કે DGFT એ પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.
આ પણ વાંચો : યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધાભ્યાસ