![]()
Role of Indian Postal Network in the Census: આજના હાઇ-ટેક ડિજિટલ યુગમાં જ્યાં દરેક માહિતી સ્માર્ટફોન અને મોબાઇલ એપ્લિકેશનની એક ક્લિક પર ઉપલબ્ધ છે, ત્યાં ડેટાની સુરક્ષા અને લોકોના વિશ્વાસને જીતવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે. આવા માહોલમાં શું તમે કલ્પના કરી શકો કે, ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નહોતા ત્યારે ભારતે પોતાની કરોડોની વસતીને એક તાંતણે બાંધીને વિશ્વની સૌથી મોટી વહીવટી કવાયત એટલે કે વસતી ગણતરી કેવી રીતે સફળ બનાવી હશે?
આ અશક્ય લાગતા કામને લોજિસ્ટિકલ સપોર્ટ આપીને શક્ય બનાવ્યું હતું ટપાલ વિભાગે, જે આજે પણ દેશના ખૂણેખૂણે મજબૂત નેટવર્ક ધરાવે છે. ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહેલા આજના ભારતે જો ડેટા કલેક્શનમાં નાગરિકોનો ભરોસો જીતવો હોય, તો ભૂતકાળના આ ‘પોસ્ટકાર્ડ અને વસતી ગણતરી’ના અનોખા સંબંધમાંથી ઘણું શીખવા જેવું છે.
પરાધીન ભારતમાં વસતી ગણતરીની શરૂઆત
ભારતમાં આધુનિક વસતી ગણતરીની શરૂઆત વર્ષ 1871-72 માં થઈ હતી, જે સામાન્ય રીતે ભારતની પ્રથમ વસતી ગણતરી માનવામાં આવે છે. એ વખતે દેશમાં બ્રિટિશ શાસન હતું. જો કે, તે વસતી ગણતરી દેશના તમામ ભાગમાં એકસાથે અને સમાન રીતે નહોતી થઈ શકી.
ત્યારબાદ વર્ષ 1881 માં દેશભરમાં એક જ સમયે વ્યવસ્થિત અને સંપૂર્ણ વસતી ગણતરી હાથ ધરાઈ. શરૂઆતથી જ દેશમાં દર 10 વર્ષે નિયમિતપણે વસતી ગણતરી કરવાની પરંપરા શરૂ થઈ, જેનો મુખ્ય હેતુ બ્રિટિશ સરકાર માટે ભારતીય સમાજની વસતી વિષયક, સામાજિક અને આર્થિક સ્થિતિને સમજીને પોતાના વહીવટ અને નીતિઓને મજબૂત કરવાનો હતો.
નવા દેશની જરૂરિયાત માટે રચાયો કાનૂની પાયો
1947 માં ભારત આઝાદ થયું, ત્યારે દેશ સામે એક નવું બંધારણીય લોકશાહી માળખું ઊભું કરવાનો મોટો પડકાર હતો. પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણીઓ યોજવા અને આર્થિક વિકાસનું આયોજન કરવા માટે દેશ પાસે વસતીના સચોટ અને વિશ્વસનીય આંકડા હોવા ખૂબ જ જરૂરી હતા.
આ ભગીરથ કાર્ય માટે સમયસર તૈયારી થઈ શકે તે હેતુથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં જ સંસદે વર્ષ 1948 માં વસતી ગણતરી કાયદો (Census Act) પસાર કર્યો. આ કાયદાનો મુખ્ય હેતુ બ્રિટિશ શાસન સમયના કાયદાની ખામીઓ દૂર કરવાનો હતો. બ્રિટિશ કાળની છેલ્લી બે વસતી ગણતરી વિવાદિત રહી હતી. વર્ષ 1931 ની વસતી ગણતરીનો લોકોએ બહિષ્કાર કર્યો હતો, જ્યારે વર્ષ 1941 માં વિભાજન પહેલાના પ્રાંતોમાં આંકડામાં વ્યાપક હેરાફેરી થઈ હતી. આથી, સ્વતંત્ર ભારતની પ્રથમ વસતી ગણતરી સફળ બનાવવા માટે લોકોમાં વિશ્વાસ અને જાગૃતિ લાવવી અનિવાર્ય હતી.
વસતી ગણતરીમાં ટપાલ વિભાગની અનોખી ભૂમિકા
અહીં એ સમજવું જરૂરી છે કે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વગરના એ જમાનામાં કરોડો લોકોનો ડેટા એક જગ્યાએ કેવી રીતે ભેગો થતો હતો. ફિલ્ડ પર કામ કરનારા ગણતરીકારો (જેમાં મોટાભાગે સ્થાનિક શિક્ષકો અને સરકારી કર્મચારીઓ હતા) જો વસતી ગણતરીના ‘હાથ અને પગ’ હતા, તો ટપાલ અને ટેલિગ્રાફ વિભાગ આ સમગ્ર પ્રક્રિયાનું ‘ચેતાતંત્ર’ (Nervous System) હતું.
આ મહાકવાયત મુખ્યત્વે ત્રણ તબક્કામાં ટપાલ વિભાગના વ્હીલ્સ પર ચાલતી હતી. જેમ કે.
સામગ્રીનું વિતરણ (Supply Chain): વસતી ગણતરી શરૂ થવાના મહિનાઓ પહેલાં, લાખો ટન વસતી ગણતરીના રજિસ્ટરો, ફોર્મ્સ, મેન્યુઅલ ગાઈડ અને કિટ્સ દિલ્હી કે પ્રાદેશિક હેડક્વાર્ટરથી દેશની હજારો પોસ્ટ ઓફિસોમાં મોકલવામાં આવતી. ત્યાંથી સ્થાનિક ટપાલીઓ આ સામગ્રીને અંતરિયાળ ગામડાઓમાં નિયુક્ત કરાયેલા ગણતરીકારો સુધી સુરક્ષિત પહોંચાડતા.
ભૌગોલિક માર્ગદર્શન અને લોકલ સપોર્ટ: તે સમયે દેશના નકશા આજના જેવા સચોટ નહોતા. દુર્ગમ પહાડી વિસ્તારો, જંગલો કે અંતરિયાળ ગામડાઓમાં કયું ઘર ક્યાં આવેલું છે તેની સચોટ ભૌગોલિક જાણકારી માત્ર સ્થાનિક ટપાલી પાસે જ ઉપલબ્ધ હતી. ટપાલીઓ ગણતરીકારોને ઘર શોધવામાં અને ચોક્કસ વિસ્તારોના રફ નકશા (Houselisting Maps) તૈયાર કરવામાં મદદ કરતા.
ડેટાનું સુરક્ષિત રિવર્સ લોજિસ્ટિક્સ: ડોર-ટુ-ડોર ગણતરી પૂરી થયા પછી, સૌથી મોટો પડકાર એ ભરેલા રજિસ્ટરોને સુરક્ષિત રાખવાનો હતો. ટપાલ વિભાગ આ ગુપ્ત અને સંવેદનશીલ રજિસ્ટરોને ખાસ સીલબંધ થેલીઓમાં ભરીને, કડક સુરક્ષા વચ્ચે પ્રાદેશિક ડેટા સેન્ટરો સુધી રેલવે મેલ સર્વિસ (RMS) અને પોસ્ટલ વાહનો દ્વારા પાછા પહોંચાડતું હતું. વરિષ્ઠ અધિકારીઓ સુધી દૈનિક પ્રગતિના અહેવાલો અને કટોકટીની સૂચનાઓ મોકલવા માટે ‘ટેલિગ્રાફ’ (તાર સેવા) નો ઉપયોગ થતો હતો.
અશિક્ષિત વસતીને જાગૃત કરવામાં પોસ્ટલ નેટવર્કની ભૂમિકા
વર્ષ 1950 ની શરૂઆતમાં મોટા ભાગના સરકારી વિભાગો ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી શકતા નહોતા. તે સમયે માત્ર ટપાલ વિભાગ જ દેશનું સૌથી મોટું અને સક્ષમ કમ્યુનિકેશન નેટવર્ક હતું. વર્ષ 1968 સુધીમાં તો દેશભરમાં 100,000થી વધુ પોસ્ટ ઓફિસ કાર્યરત થઈ ચૂકી હતી.
વર્ષ 1951 ની પ્રથમ વસતી ગણતરી વખતે દેશમાં સાક્ષરતાનો દર ઘણો નીચો હતો. આ અશિક્ષિત વસતી સુધી સંદેશો પહોંચાડવા માટે પોસ્ટ અને ટેલિગ્રામ વિભાગે એક અનોખો રસ્તો અપનાવ્યો. તેમણે દેશભરમાં મોકલાતી ટપાલ પર એક દ્વિભાષી ચિત્રાત્મક ‘સહાયક પોસ્ટ માર્ક’ (Postal Cancellation Mark) લગાવવાનું શરૂ કર્યું. આ પોસ્ટ માર્કમાં એક લંબચોરસ ફ્રેમમાં ત્રણ સભ્યોના પરિવાર (માતા, પિતા અને બાળક)નું ચિત્ર હતું, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં ‘ભારતની વસતી ગણતરી’ અને ‘ફેબ્રુઆરી 1951’ લખેલું હતું.
આ ચિત્ર મૂકવાનું કારણ એ હતું કે, દેશમાં લાખો લોકો વાંચી શકતા ન હોવાથી, ચિત્ર જોઈને જ સમજી જાય કે આ અભિયાન દેશના દરેક પરિવાર અને તેના સભ્યોની ગણતરી કરવા માટે છે. આ ઉપરાંત તેમાં વસતી નિયંત્રણનો પણ આડકતરો સંદેશ હતો. તે સમયે દેશમાં વધતી વસતીને નિયંત્રિત કરવા માટે ‘નાનો પરિવાર, સુખી પરિવાર’ ના વિચારને પ્રોત્સાહન અપાતું હતું. ત્રણ સભ્યોનું ચિત્ર વસતી ગણતરીની સાથે-સાથે આદર્શ નાના પરિવારની વિભાવનાને પણ લોકોના મનમાં દ્રઢ કરતું હતું. ગામડાઓમાં ટપાલીઓ ફક્ત ટપાલ નહોતા પહોંચાડતા, પણ લોકો માટે પત્રો વાંચી આપતા અને લખી પણ આપતા, જેથી તેઓ આ પોસ્ટમાર્કનો અર્થ લોકોને સરળતાથી સમજાવી શકતા હતા.
સમયની સાથે બદલાતો સંદેશ: 1961 અને 1971 ની સફર
વર્ષ 1951 ની વસતી ગણતરીનો મુખ્ય તબક્કો 9 થી 28 ફેબ્રુઆરીએ અને બીજો રાઉન્ડ 1 થી 3 માર્ચે યોજાયો હતો. સરકારે આ ઝુંબેશ ઘરગથ્થુ ગણતરી શરૂ થવાના 9 દિવસ પહેલાં એટલે કે 1 ફેબ્રુઆરીથી જ પત્રો પર પોસ્ટમાર્ક લગાવીને શરૂ કરી દીધી હતી. સમયની સાથે જાગૃતિ અભિયાનની પદ્ધતિ પણ બદલાતી ગઈ:
વર્ષ 1961 ની વસતી ગણતરી: એ વર્ષોમાં વસતી ગણતરી શરૂ થવાના અઢી મહિના પહેલાથી જ ઝુંબેશ શરૂ થઈ. ત્યારે ચિત્રોને બદલે હિન્દી અને અંગ્રેજીમાં બે અલગ-અલગ પોસ્ટમાર્ક વપરાયા. ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં હિન્દી, જ્યારે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં અંગ્રેજી પોસ્ટમાર્કનો ઉપયોગ થયો. આ પોસ્ટમાર્કમાં લોકોને પ્રેરણા અપાઈ કે તેઓ પોતાના મિત્રો અને પરિવારના દરેક સભ્યની ગણતરી કરાવે.
વર્ષ 1971 (વસતી ગણતરી શતાબ્દી): આ વર્ષે ભારતમાં આધુનિક વસતી ગણતરીના 100 વર્ષ (1871-72 થી શરૂ થયેલી સફર) પૂર્ણ થવાના અવસરે 30 લાખ સ્મારક ટપાલ ટિકિટો (Commemorative Stamps) બહાર પડાઈ. આ વિચાર જમ્મુ-કાશ્મીરના તત્કાલીન વસતી ગણતરી સંચાલન નિર્દેશક જે.એન. ઝુત્શીનો હતો. આ સ્ટેમ્પ દેશના ગણતરીકારોની વિશાળ સેના અને જનતાના સહયોગને સમર્પિત હતો. આ સમયે જ દેશમાં પ્રથમ વખત ડેટા પ્રોસેસિંગ માટે ‘ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ’નો ઉપયોગ શરૂ થયો, જે ભારતના વૈજ્ઞાનિક વિકાસના આત્મગૌરવને દર્શાવતો હતો.
વસતી ગણતરી સાથે વસતી નિયંત્રણનો સંદેશ
વર્ષ 2001 (અટલ બિહારી વાજપેયી સરકાર) અને વર્ષ 2011 (મનમોહન સિંહ સરકાર) દરમિયાન પણ સ્મારક ટપાલ ટિકિટો પ્રકાશિત કરાઈ હતી. આ સમયગાળામાં વસતી ગણતરીના સંદેશામાં એક મોટો બદલાવ આવ્યો. હવે વસતી ગણતરીને ‘બે બાળકોના ધોરણ’ સાથે જોડીને વસતી નિયંત્રણના પ્રચાર તરીકે પણ ઉપયોગમાં લેવાઈ.
વર્ષ 2001 માં પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર કાર્ડ (આંતરિક પત્ર) પર દેશની તમામ મુખ્ય ભાષામાં આકર્ષક સ્લોગન છપાયા હતા, જેમ કે:
રાષ્ટ્રનો અરીસો – ‘વસતી ગણતરી’
દેશનો ગ્રૂપ ફોટોગ્રાફ – ‘જનગણના’
વિકાસના સીમાચિહ્નરૂપ – વસતી ગણતરી
આંતરિક પત્રો પર હિન્દીમાં ખાસ લખાતું કે, ‘અમને તમારા વિશે કહો, અમે તમને સમગ્ર રાષ્ટ્ર વિશે જણાવીશું’ અને સૌથી મહત્ત્વની વાત એ કે, ‘વસતી ગણતરી દરમિયાન એકત્રિત કરાયેલી માહિતી સંપૂર્ણપણે ગુપ્ત છે.’ એ સંદેશે નાગરિકોમાં સુરક્ષા અને દેશના વિકાસમાં પોતાની ભાગીદારી હોવાનો અહેસાસ કરાવ્યો.
પેન-પેપરથી લઈને ડિજિટલ એપ સુધી વસતી ગણતરી
આજ સુધીની તમામ વસતી ગણતરીમાં સમગ્ર પ્રક્રિયા સરકારી કર્મચારીઓ દ્વારા દરેક ગલી-મહોલ્લામાં ઘરે-ઘરે જઈને રૂબરૂમાં જ કરાતી. આ પરંપરાગત પદ્ધતિમાં કર્મચારીઓ પોતાની સાથે મોટા રજિસ્ટર કે ફોર્મ રાખતા અને પરિવારના સભ્યોને પૂછીને તમામ વિગતો પેન-પેપરથી હાથે લખીને નોંધતા.
જો કે, હવે આ પ્રક્રિયામાં મોટો ડિજિટલ બદલાવ આવી રહ્યો છે અને આગામી વસતી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસતી ગણતરી બનશે, જેમાં કર્મચારીઓ ડોર-ટુ-ડોર જઈને પેન-પેપરને બદલે ખાસ મોબાઈલ એપ કે ટેબ્લેટ દ્વારા ડેટા એન્ટ્રી કરશે. સાથે જ નાગરિકોને ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની વિગતો જાતે ભરવાનો (Self-Enumeration) વિકલ્પ પણ અપાશે.
ડિજિટલ યુગ માટે બોધપાઠ
બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વિકાસ કુમાર દ્વારા ક્યુરેટ કરાયેલું એક નવું પ્રદર્શન આ ઐતિહાસિક સફર પર પ્રકાશ પાડે છે. આજે જ્યારે ભારત તેની 16 મી વસતી ગણતરી (અને આઝાદી પછીની 8 મી વસતી ગણતરી) સંપૂર્ણપણે ડિજિટલ અને મોબાઇલ એપ્લિકેશન આધારિત કરવા જઈ રહ્યું છે, ત્યારે ટેકનોલોજી કામને સરળ તો બનાવી શકે છે, પરંતુ તે લોકોના મનની શંકાઓ આપોઆપ દૂર નથી કરી શકતી.
આગામી સમયમાં સંસદીય સીમાંકન (Delimitation), ફાઇનાન્સ કમિશન દ્વારા ફંડની વહેંચણી અને જ્ઞાતિ આધારિત વસતી ગણતરી (Caste Census) જેવા સંવેદનશીલ મુદ્દા સામે આવવાના છે. આવા સમયે ડેટાની વિશ્વસનીયતા માટે નાગરિકોનો ‘વિશ્વાસ’ જીતવો સૌથી જરૂરી છે. ભલે આજે પોસ્ટ ઓફિસની ભૌતિક અપીલ ઓછી થઈ ગઈ હોય, પણ સરકારે ભૂતકાળના આ ટપાલ વિભાગના મોડેલમાંથી શીખીને, સંદેશાવ્યવહારના નવા માધ્યમો દ્વારા જનતા સાથે એવો જ અતૂટ વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવો પડશે.










