![]()
Jamnagar Crime : જામનગર શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને તેની પત્ની પર પત્નીના ભાઈઓ તથા અન્ય સંબંધીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના માથામાં છરીના ઘા વાગતા ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, મોરકંડા રોડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અવેશ દાઉદભાઈ નોતિયારે તા. 1 એપ્રિલ, 2026ના રોજ મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પત્નીના પરિવારને પસંદ ન હોવાથી તેઓ મનદુઃખ અને ખાર રાખતા હતા.
તા.18 જૂન, 2026ની રાત્રે આશરે સાડા દસ વાગ્યે અવેશ પોતાની પત્ની મુસ્કાન સાથે મામાના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ નજીક તેમના સાળા અલ્ફાઝ યુસુફ માડકિયા અને ફેજાન રફીક માડકિયાએ તેમનું મોટરસાયકલ રોકી દીધું હતું. ત્યારબાદ હમજા યુસુફ માળકીયા અને રૂબીનાબેન રફીકભાઈ માડકીયા પણ ત્યાં પહોંચી ગયા હતા.
આરોપ છે કે ફેજાને છરી વડે અવેશના માથામાં હુમલો કર્યો હતો, જ્યારે અલ્ફાઝ અને હમજાએ લાકડાના ધોકાથી તેમજ રૂબીનાએ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં અવેશને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. વચ્ચે બચાવવા પડેલી પત્ની મુસ્કાનને પણ બંને હાથમાં છરીના ઘા તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી.
બનાવ દરમિયાન આરોપીઓએ દંપતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમલગ્નથી નારાજ પત્નીના પરિવારજનોએ પૂર્વયોજના મુજબ રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે.
આ બનાવ અંગે અવેશ દાઉદભાઈ નોતિયારની ફરિયાદના આધારે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ફેજાન રફીક માંડકિયા, અલ્ફાઝ યુસુફ માંડકિયા, હમજા અને રૂબીનાબેન સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










