મુંબઈ : અમેરિકા તથા ચીન દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં ૯૦ દિવસ માટે કરાયેલા ઘટાડાથી ભારત માટે તકો અને પડકારો બન્ને જોવા મળવાની સંભાવના હોવાનું નિકાસકારો માની રહ્યા છે.
વૈશ્વિક વેપારમાં સ્થિરતા માટે આવા ઘટનાક્રમો હકારાત્મક બની રહે છે ત્યારે, ભારત માટે તે પડકારો અને તકો બન્ને લાવી શકે છે, એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના સુત્રોએ જણાવ્યું હતું.
ટેરિફસમાં ઘટાડાથી અમેરિકા-ચીન વચ્ચે ઊંચા મૂલ્યના માલસામાન જેમ કે ઈલેકટ્રોનિક, મસિનરી તથા કેમકિલ્સમાં દ્વીપક્ષી વેપારમાં વધારો થવા સંભવ છે.
આને કારણે ભારતના નિકાસકારો માટે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા મથકોમાં સ્પર્ધામાં વધારો થશે જ્યાં ભારતના નિકાસકારોને તાજેતરમાં તક ઊભી થઈ હતી. અમેરિકા-ચીન વચ્ચે વેપાર તાણને કારણે ભારતના માલસામાન સ્પર્ધાત્મક ભાવે નિકાસ કરવા તક ઊભી થઈ હતી.
જો કે અમેરિકા-ચીન વેપાર તાણથી પ્રમાણમાં અળગા રહી શકેલા ક્ષેત્રો જેમ કે ફાર્મા, જ્વેલરી, અન્જિનિયરિંગ માલસામાન, આઈટીમાં નિકાસને મજબૂત બનાવવા ભારતને તક ઊભી થઈ હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ચીન ખાતેથી થતી નિકાસ પર ભારતે નજર રાખવાની રહેશે એમ અન્ય એક નિકાસકારે જણાવ્યું હતું. ચીન તથા અમેરિકા બન્ને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે.