– મુંદ્રામાં પકડાયેલા રૂ. 21,000 કરોડનો ડ્રગ્સ કેસ
– મુંદ્રા ડ્રગ્સ કેસમાં આતંકીઓને રૂપિયા પહોંચતા હોવાની એનઆઈએની દલીલ ‘અપરિપક્વ’ અને ‘માત્ર અટકળો’ : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મુંદ્રા બંદરેથી પકડાયેલા રૂ. ૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીના ઉદ્યોગપતિ દ્વારા આતંકીઓને ધિરાણ કરાતું હોવાની એનઆઈએની દલીલોને ‘અપરિપક્વ’ અને ‘માત્ર અટકળો’ ગણાવી હતી. જોકે, સુપ્રીમે ઉદ્યોગપતિ હરપ્રીતસિંહ તલવારની જામીન અરજી નકારી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે મંગળવારે જણાવ્યું હતું કે, હાલ દિલ્હીના ઉદ્યોગપતિ હરપ્રીતસિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર પર લગાવવામાં આવેલો ટેરર ફન્ડિંગનો આરોપ અપરિપક્વ અને માત્ર અટકળો પર આધારિત છે. જોકે, સુપ્રીમે હરપ્રીત સિંહ તલવારની જામીન માટેની અરજી નકારી કાઢી હતી. જોકે, તેમને છ મહિના પછી ફરીથી જામીન અરજી કરવાની છૂટ આપી હતી.
સુનાવણી સમયે સુપ્રીમે એવો પણ નિર્દેશ આપ્યો કે, આ કેસની સુનાવણી વિશેષ અદાલતમાં ઝડપથી થાય અને મહિનામાં બે વખત તેનું લિસ્ટિંગ થાય. બેન્ચે ઉમેર્યું કે, આ કેસમાં વિશેષ કોર્ટના પ્રીસાઈડિંગ ઓફિસર નિયુક્ત ના કરાયા હોય તો ગુજરહાત હાઈકોર્ટે એક સપ્તાહમાં આ અંગે ઘટતું કરવું જોઈએ. આ પહેલા ૨૩ એપ્રિલે સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી એજન્સી એનઆઈએએ કહ્યું હતું કે, ડ્રગ્સના વેચાણથી મળનારી રકમનો ઉપયોગ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાને ફન્ડિંગ તરીકે કરવાનો હતો. બેન્ચે હાલના સ્તરે તલવાર પર લગાવવામાં આવેલા ટેરર ફાઈનાન્સિંગના આરોપોને કાલ્પનિક ગણાવ્યા હતા.
દિલ્હીમાં નાઈટલાઈફ સર્કિટમાં લોકપ્રિય ક્લબોના સંચાલન માટે ઓળખાતા કબીર તલવારની ઓગસ્ટ ૨૦૨૨માં એનઆઈએએ ધરપકડ કરી હતી. મુંદ્રા પોર્ટ પર ભારતીય ઈતિહાસનું સંભવતઃ સૌથી મોટું રૂ. ૨૧,૦૦૦ કરોડનું ૨,૯૮૮.૨૧ કિલોનું ડ્રગ્સ પકડાયા પછી એનઆઈએએ આ કાર્યવાહી કરી હતી.