Indian Army: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ
સેનાએ આપી જાણકારી
ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, 14 મેના દિવસે અસમ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કૉર્પ્સ હેઠળ ન્યૂ સમતાલ ગામ, ખેંગજૉય તહસીલમાં આ ઓપરેશન લૉન્ચ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે અવાર-નવાર ઉગ્રવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર
10 ઉગ્રવાદી ઠાર, વિસ્ફોટક કર્યા જપ્ત
સેનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન દરમિયાન જ્યારે સૈનિકોએ વિસ્તારમાં નાકાબંધી કરી, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ વ્યૂનીતિ સાથે ફાયરિંગ શરૂ કર્યું. આ અથડામણમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે.’