Beating Retreat Ceremony : ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરહદ પર તણાવ ઘટી ગયો છે, જેને ધ્યાને રાખી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા અટારી-વાઘા સરહદ પર ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન સાથે વિવાદના કારણે સેરેમનીમાં અનેક ફેરફાર
બીએસફ દ્વારા ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ ફરી યોજવાની જાહેરાત કરાઈ છે, જોકે પાકિસ્તાન સાથે વિવાદ ચાલતો હોવાના કારણે તેમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ સેરેમની બાદ ઔપચારિક રીતે બોર્ડર પરના ગેટ ખોલવામાં આવતા હતા અને બંને દેશોના સેનાના જવાનો એકબીજાને હાથ મિલાવતા હતા. જોકે પાકિસ્તાન સાથે વિવાદના કારણે આ તમામ પ્રક્રિયા બંધ રહેશે અને પાકિસ્તાનને સંપૂર્ણ નજરઅંદાજ કરાશે. બીએસએફ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અમૃતસર સ્થિત અટારી, ફિરોજપુર સ્થિત હુસૈનીવાલા અને ફાજિલ્કા સ્થિત સદકી બોર્ડર પોસ્ટ પર સેરેમની યોજાશે, જેમાં સામાન્ય લોકો પણ ભાગ લઈ શકશે.
આ પણ વાંચો : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત
‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ શું છે ?
અટારી-વાઘા બોર્ડર પર આ બીટિંગ રીટ્રીટ સમારોહ એક દૈનિક સમારોહ છે. આ સેરેમની 1959થી ભારત (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) અને પાકિસ્તાન (પાકિસ્તાન રેન્જર્સ)ના સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આ સમારોહના અંતે બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સના સૈનિકો ઔપચારિક રીતે હાથ મિલાવે છે અને થોડી ક્ષણો માટે ગેટ ખોલવામાં આવે છે. પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી સુરક્ષા કારણોસર આ સમારોહ રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ફરીથી શરૂ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતો માટે કાંટાળા તારના ગેટ પણ ખોલાશે
સમારોહ શરૂ થતાંની સાથે જ આ વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. મંગળવારે કાંટાળા તારના ગેટ પણ ખુલશે. પંજાબ સરકારના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે સોમવારે અજનાલા નજીક શાહપુર બોર્ડર પર BSF અધિકારીઓને મળ્યા હતા. ખેડૂતોની જમીન કાંટાળા તારની પેલી પાર હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે આ ગેટ બંધ કરાયો હતો. હવે ગેટ ખોલવામાં આવ્યા બાદ ખેડૂતો પેલીતરફ સરળતાથી જઈ શકશે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનરજી, TMC તરફથી અભિષેક જશે વિદેશ