Landslide At Stone Quarry In Tamil Nadu : તમિલનાડુના શિવગંગઈ શહેરના મલ્લાકોટ્ટઈ અને સિંગમપુનારી વિસ્તારમાં ભૂસ્ખનની ભયાનક દુર્ઘટના બની છે. અહીં પથ્થરની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં પાંચ શ્રમિકોના મોત અને બેને ગંભીર ઈજા થઈ છે. મળતા અહેવાલો મુજબ શ્રમિકો ખાણમાં 450 ફૂટ નીચે કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભૂસ્ખલન થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગડે સહિતની ટીમો પહોંચી ગઈ છે.
ભયાનક વિસ્ફોટ બાદ ભારે ખડકો પડી
નજરે જોનારાઓએ કહ્યું કે, અહીં પથ્થરની ખાણમાં અચાનક ભયાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ ભારે ખડકો સરકીને નીચે પડતાં મુરુગાનંદમ, અરૂમુગમ, ગણેશન, અંડીસામી અને ઓડિશાના હરષિતનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે શ્રમિકોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માઈકલ નામના શ્રમિકની સ્થિતિ ગંભીર હોવાની વિગતો સામે આવી છે.
ઘટનાની તપાસ કરવા આદેશ
ઘટનાની જાણ થતાં જ તમિલનાડુ સરકારના મંત્રી પેરિયાકરુપન જિલ્લા અધિકારીઓની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. બીજીતરફ વહિવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ખાણના સંચાલનમાં થયેલી બેદરકારીની પણ તપાસ કરવા કહ્યું છે.
મૃતકના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ઘટનાની જાણ થતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત માઈકલને એક લાખ રૂપિયા આપવાનો પણ આદેશ કર્યો છે.
આ પણ વાંચો : VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા
આ પણ વાંચો : મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત