– કોંગ્રેસ બંધારણ બદલીને મુસ્લિમોને અનામત આપવા માગે છે : રિજિજૂ
– બાબા સાહેબનું બંધારણ કોઇ નહીં બદલી શકે, અમે તેના રક્ષણ માટે ભારત જોડો યાત્રા કરી હતી : ખડગે
નવી દિલ્હી : કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે વિવાદ જોવા મળ્યો હતો, ભાજપના નેતાઓએ આ અનામતનો વિરોધ કર્યો હતો સાથે જ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા (ડી. કે. શિવકુમાર) કહે છે કે મુસ્લિમોને અનામત આપવા બંધારણમાં સુધારા કરાશે. જ્યારે કોંગ્રેસે ભાજપના આ દાવાને જુઠો ગણાવીને કાર્યવાહીની માગણી કરી હતી. આ મુદ્દે લોકસભાની સાથે રાજ્યસભામાં પણ હોબાળો જોવા મળ્યો હતો. જેને પગલે સંસદની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.
રાજ્યસભામાં સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થઇ જેમાં ભાજપના સાંસદ કિરણ રિજિજૂએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના એક નેતા (ડી. કે. શિવકુમાર)એ દાવો કર્યો છે કે તેઓ મુસ્લિમોને અનામત આપવા બંધારણમાં સુધારા કરશે. જવાબમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે બી.આર. આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણને કોઇ પણ પ્રકારની તાકાત બદલી નહીં શકે. આ દરમિયાન સંસદમાં ભારે સુત્રોચ્ચાર થયા હતા, જેમાં મોટાભાગના સત્તાધારી પક્ષ ભાજપના સાંસદો જોડાયા હતા. બાદમાં અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદની કાર્યવાહીને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂનો સૌથી પહેલા અધ્યક્ષ ધનખડે બોલવાની તક આપી હતી, રિજિજૂએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના એક વરીષ્ઠ નેતાએ કહ્યું છે કે તેઓ મુસ્લિમોને અનામત આપવા બંધારણ બદલશે. જોકે તેમણે કોંગ્રેસના નેતાનું નામ નહોતુ લીધું પરંતુ તેમને ઇશારો કર્ણાટકના ડી. કે. શિવકુમાર તરફ હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પોતાના ખિસ્સામાં બંધારણની કોપી રાખે છે પરંતુ તેની સાથે બાંધછોડ કરવા કોઇ પણ હદે જવા તૈયાર છે. ધનખડે રિજિજૂને સવાલ કર્યો હતો કે તેઓ અને તેમનો પક્ષ શું ઇચ્છે છે જવાબમાં રિજિજૂએ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ સ્પષ્ટતા કરે કે તે કેમ બંધારણ બદલવા માગે છે? આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે જ્યારે આંબેડકરે બંધારણ તૈયાર કર્યું હતું ત્યારે જ કહ્યું હતું કે ધર્મના આધારે અનામત ના હોવી જોઇએ. ધનખડે સત્તાપક્ષના નેતાઓને પોતાના દાવાના સત્તાવાર પુરાવા આપવા કહ્યું હતું.
બાદમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે કિરણ રિજિજૂના આ દાવાને જુઠા ગણાવીને તેમની સામે કાર્યવાહી માટે વિશેષાધિકાર હનનની નોટિસ આપી હતી, જેમાં દાવો કર્યો હતો કે રિજિજૂએ ડી. કે. શિવકુમાર અંગે ભ્રમ ફેલાવ્યો છે અને સંસદની ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ખુદ ડી. કે. શિવકુમારે કહ્યું છે કે તેમણે બંધારણ બદલવાની વાત કરી જ નથી. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે અમે બંધારણના રક્ષણ માટે ભારત જોડો યાત્રા કરી હતી, બંધારણને કોઇ નહીં બદલી શકે.