₹11 crore snake-bite scam in Madhya Pradesh : મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સર્પદંશના નામે 11.26 કરોડ રુપિયાની છેતરપિંડીનો કેસ ચર્ચામાં છે. આ કોંભાંડમાં 47 લોકોને કાગળો પર 279 વખત મરેલા બતાવીને સરકારી સહાયની રકમ હડપી લીધી હતી. તેમાથી એક મલારી ગામના 70 વર્ષીય કિસાન સંત કુમાર બધેક કે, જેમને કાગળ પર 19 વાર સાપે ડંખ મારવાના કારણે મૃત બતાવવામાં આવ્યા છે અને તેમના નામે 76 લાખ રુપિયા હડપી લેવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સંત કુમાર જીવિત અને સ્વસ્થ છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ગામમાં 60-70 વર્ષથી એકાદ બે લોકોને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું
સંત કુમાર બધેકે કહ્યું કે, ‘મને ચાર દિવસ પહેલા ખબર પડી કે મારા નામે સાપ કરડવાથી મૃત્યુ થયુ હોવાનું બતાવીને મોટી રકમ નીકાળી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, મહત્ત્વની વાત એ છે કે, મને ક્યારેય સાપ કરડ્યો જ નથી. ગામમાં 60-70 વર્ષથી એકાદ બે લોકોને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.’
‘હું આ મામલે માનહાનીનો કેસ દાખલ કરવાનો છું’
કિસાન સંત કુમારે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાથી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે આ પૈસા મે લીધા છે. જ્યારે આમાથી એક પણ રુપિયો મે લીધો નથી.’ હૃદયરોગની બિમારીથી પીડાતાં વૃદ્ધ સંત કુમારે કહ્યું કે, ‘હું આ મામલે માનહાનીનો કેસ દાખલ કરવાનો છું અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીશ.’
યોજનામાં 279 નકલી કેસોમાં 11 કરોડ 26 લાખ રૂપિયા લૂંટ્યા
તમને જણાવી દઈએ કે, આ કૌભાંડ 2019થી 2022 દરમિયાન કેવલારી તાલુકામાં થયું છે. મધ્યપ્રદેશ સરકારની આ યોજના હેઠળ સાપ કરડવા પર, પાણીમા ડુબી જવા પર, આકાશમાંથી વીજળી પડવાથી મૃત્યુ થવા પર પરિવારજનોને 4 લાખ રુપિયા વળતર ચૂકવવામાં આવે છે. આ યોજનાનો દુરુપયોગ કરીને 279 નકલી કેસોમાં 11 કરોડ 26 લાખ રૂપિયા લૂંટવામાં આવ્યા હતા.
જે નામો અસ્તિત્વમાં જ નથી તેવા લોકોના નામે કરોડો રુ. પડાવ્યા
તપાસમાં સામે આવ્યું કે, ‘બિછુઆ રાયત ગામની ‘દ્વારકાબાઈ’ (જે હકીકતમાં ક્યારેય અસ્તિત્વમાં હતી જ નહીં ) જેવા કેટલાક લોકોને 29 વખત મૃત બતાવવામાં આવ્યા હતા અને 1 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આજ પ્રમાણે ‘શ્રી રામ’ નામના વ્યક્તિને 28 વખત મૃત બતાવવામાં આવ્યા હતા અને રકમ હડપી લેવામાં આવી હતી. જેનું પણ ગામનો કોઈ અસ્તિત્વ મળ્યું નથી.
આ પણ વાંચો: દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા
સંત કુમારે જણાવ્યું કે, હું 1994 થી 1998 સુધી મલારી ગામના સરપંચ રહ્યો છું, પરંતુ મારો તાલુકા કચેરી સાથે કોઈ સંપર્ક નહોતો. તાજેતરમાં મને આ કૌભાંડ વિશે ખબર પડી. તેઓનું કહેવું છે કે, “ન તો મને કોઈ પત્ર મળ્યો છે, ન તો કોઈ અધિકારી મને મળવા આવ્યા છે અને ન તો પોલીસે પણ મારી પૂછપરછ કરી છે.
કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તાલુકા કચેરીનો કારકુન ‘સચિન દહાયત’
આ કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તાલુકા કચેરીના કારકુન સચિન દહાયત હોવાની માહિતી મળી છે. જેને બરતરફ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 2022 માં પોલીસે 37 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી 21 ની ધરપકડ કરવામાં આવી હતી અને 20 ને જમાનત આપવામાં આવી હતી.