
EPFO Rule: પ્રોવિડન્ટ ફંડની 100% રકમ ઉપાડવા દેવાની છૂટ આપવાની સાથે જ લાગુ કરવામાં આવેલા નવા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે બાર માસ સુધી રાહ જોવાના, પેન્શનની ચૂકવણી માટે ત્રણ વર્ષ સુધી રાહ જોવાના અને 25% રકમ કાયમને માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં રાખી મૂકવાના નિયમને કારણે નોકરિયાતો ગિન્નાયા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલા જ પ્રોવિડન્ટ ફંડના નાણાના ઉપાડ માટે કેટલાક નિયમોની જાહેરાત કરી હતી.
નોકરી ન હોય તો પણ 12 માસ પછી જ PF ઉપાડનો નિયમ
પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રકમનો ઉપાડ કરવા દેવાના નવા નિયમો સરળ હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં આ જ નિયમો નોકરિયાતોની જફામાં વધારો કરે તેવા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવી દેનાર કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડના નાણામાંથી પારિવારિક જરૂરિયાત માટે નાણાનો ઉપાડ કરવા માટે હવે બાર મહિના સુધી રાહ જોવી પડશે.










