![]()
વડોદરાઃ ઇર્લારાપાર્કની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છ ગ્રાહકોને બોગસ દસ્તાવેજોને આધારે ૧.૯૭ કરોડની હોમલોન આપી દીધી હોવાના કૌભાંડની ગોરવા પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે બેન્ક ઓફ બરોડાના એક સસ્પેન્ડેડ ઓફિસર સામે પણ ઉચાપતનો ગુનો નોંધાયો છે.
એમ એસ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બેન્ક ઓફ બરોડાના મેનેજર મિતાલી વેદાનીએ પોલીસને કહ્યું છે કે,અમારી શાખામાં સ્કેલ વન ઓફિસર સંદિપ ચૌહાણ (સાંઇ આસ્થા રેસિડેન્સી,રજનિકાન્ત જાની રોડ,માંજલપુર મૂળ રહે.તેલંગાના)નું કામ ગ્રાહકોને ક્યા પ્રકારના ખાતા ખોલાવવા તેની માહિતી આપવાનું અને ટ્રાન્જેક્શન કરવાનું હતું.
વર્ષ-૨૨૩માં ચાર ગ્રાહકોના એકાઉન્ટમાં બેન્કે કુલ રૃ.૩.૮૫લાખ વ્યાજ જમા કર્યું હતું.પરંતુ આ ગ્રાહકોએ વ્યાજ જોઇતું નથી તેમ લેખિતમાં જણાવ્યું હોવાનો પત્ર મળ્યો હતો.જેથી બેન્કે આ વ્યાજની રકમ પાર્કિંગ એકાઉન્ટમા પરત જમા કર્યું હતું.થોડા સમય બાદ બેન્કના એકાઉન્ટમાંથી આ વ્યાજની રકમ રમીલા ગોરાના ખાતામાં ટ્રાન્સફર થતાં બેન્કની હેડઓફિસે તપાસ કરી હતી.
આ અંગે સંદિપ ચૌહાણે ભૂલથી એન્ટ્રી થઇ ગઇ હોવાનું કહ્યું હતું અને રકમ બેન્કને પરત કરી હતી.બેન્કે વધુ તપાસ કરતાં રમીલા ગોરાના એકાઉન્ટમાં સંદિપ ચૌહાણનો મોબાઇલ નંબર હતો.સંદિપ ચૌહાણને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.તપાસ કરતાં સંદિપ ચૌહાણે કુલ રૃ.૭.૯૩ લાખ રમીલા ગોરાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તેને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરી હતી.










