![]()
વડોદરા, તા.31 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હરાજીનું ગોલ્ડ માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે આપે છે તેવી લાલચ આપી સોલરના વેપારી સાથે રૃા.૧૬.૨૯ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ તેમજ ગોત્રી રાજેશ ટાવર એસબીઆઇ બેંકના મેનેજરે છેતરપિંડી કરી હતી.
સોમા તળાવ વિસ્તારમાં સિલ્વર ઓક એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદ હરમાનભાઇ પટેલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કનુ બાલુભાઇ પટેલ (રહે.અવધપુરી ટેનામેન્ટ, ટીપી-૧૩, છાણી) અને રાજ કિશોર (બ્રાંચ મેનેજર એસબીઆઇ, રાજેશ ટાવરરોડ, ગોત્રી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સોલર ઇન્સ્ટોલેશન સર્વિસિસનું કામ કરું છું અને મારી ઓફિસ જૂનાછાણીરોડ કામાક્ષીકુંજ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારા મિત્ર પ્રજ્ઞોશ માંડલીયા સોની છે જેમની માંડવી વિસ્તારમાં જયંતી જવેલર્સ નામની દુકાન છે.
મિત્ર પ્રજ્ઞોશનો મે માસના પ્રારંભમાં મારા પર ફોન આવ્યો હતો અને મને જણાવેલ કે બેંકમાંથી હરાજીનું ગોલ્ડ માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે ખરીદી વેચાણ કરે છે તે કનુભાઇ પટેલે મને આવીને જણાવેલ અને તેમનું એસબીઆઇ સાથે ટાઇઅપ છે, મારે ૧૦ તોલા સોનું ખરીદવાનો વિચાર છે જો તમારી ઇચ્છા હોય તો તમે પણ મારી સાથે આવજો. મને ઇચ્છા થતાં કનુભાઇ અને પ્રજ્ઞોશને મારી ઓફિસે બોલાવ્યા હતાં. કનુભાઇએ હરાજીનું સોનું ખરીદવાની સ્કીમ સમજાવી હતી અને બેંકમાં ડિપોઝિટ પેટે રૃા.૧૯.૫૦ લાખથી ૨૧ લાખ રોકડમાં ભરવા પડશે તેમ કહ્યું હતું.
બાદમાં કનુભાઇએ બેંકમાં લઇ જઇ બેંક મેનેજર સાથે ઓળખાણ પણ કરાવી હતી. અમોને વિશ્વાસ થતાં બેંકમાં ડિપોઝિટ પેટે કનુભાઇના ખાતામાં તેમજ પ્રોસિઝર માટે રોકડ મળી કુલ રૃા.૧૬.૨૯ લાખ આપ્યા હતાં. દરમિયાન કનુભાઇ ગોલ્ડની લગડી અમોને બતાવતા હતા અને આ તમને મળશે તેવી વાત કરતા હતાં. જો કે લાંબા સમય સુધી કોઇ સોનું નહી આપતા તેમને આપેલા સરનામા પર તપાસ કરતાં કનુભાઇ લાંબા સમયથી અહી રહેતા નથી તેમને મકાન વેચી દીધું છે તેમ કહ્યું હતું. બાદમાં બેંક મેનેજરને મળતાં મેનેજરે પણ હાથ અધ્ધર કરી દીધા હતાં.










