![]()
વડોદરાઃ ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ડિસ્પલે ટીમ સારંગનો અદભૂત એર શો તા.૭ ડિસેમ્બરે અંકલેશ્વરમાં નવી બનેલી એર સ્ટ્રીપ ખાતે સવારે ૯-૩૦ વાગ્યે યોજાશે.તે પહેલા તા.૬ ડિસેમ્બરના રોજ સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં રિહર્સલ પણ કરશે.
સારંગ ટીમમાં ભારતમાં જ નિર્મિત એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ કરાયો છે.સમગ્ર દુનિયામાં એક માત્ર ભારતીય વાયુસેના પાસે આ પ્રકારની હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે.અંકલેશ્વરના શો માટે આ ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે.વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટીમ લીડર અને પાયલોટ વિંગ કમાન્ડર અભિજિત કુમારે કહ્યું હતું કે, લગભગ ૨૦ થી ૨૫ મિનિટ ચાલનારા એર શોમાં પાંચ હેલિકોપ્ટર દ્વારા વાઈન ગ્લાસ, ડાયમંડ, ઈન્ડિયા, હાઈ સ્પીડ ક્રોસ, હાર્ટ શેપ જેવા વિવિધ ૧૫ થી ૨૦ ફોર્મેશન રજૂ કરાશે.આ માટે હેલિકોપ્ટર ટીમ વડોદરા એરપોર્ટ પરથી જ ઉડાન ભરશે.દક્ષિણ ગુજરાતમાં સારંગ ટીમનું આ પહેલું પરફોર્મન્સ હશે.એર શો પૂરો થયા બાદ ટીમના કેટલાક પાયલોટો અને બીજા સભ્યો લોકોની સાથે પણ મુલાકાત કરશે.
સારંગ ટીમ અને તેની વિશેષતાઓ
–૨૦૦૫માં સારંગ ટીમની સ્થાપના થઈ હતી, તામિલનાડુનું સુલુર એરફોર્સ સ્ટેશન ટીમનું કાયમી સરનામું છે
–સારંગનો અર્થ મોર પણ થાય છે.હેલિકોપ્ટર પર મોરપીંછની ડિઝાઈન પેઈન્ટ કરાયેલી છે.ટીમનું કહેવું છે કે, જે રીતે નૃત્ય કરતો મોર સુંદર લાગે છે તે જ રીતે સારંગ હેલિકોપ્ટર જ્યારે આકાશમાં ફોર્મેશન બનાવે છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બને છે
–ભારતમાં ૧૨૦૦ જેટલા એર શો કરવાની સાથે સાથે દુબઈ, શ્રીલંકા, સિંગાપુર અને ચિલી જેવા દેશોમાં પણ આ ટીમ કમાલ દર્શાવી ચૂકી છે
–ઉત્તરાખંડ પૂર હોનારત, કેરાલા પૂર હોનારત જેવી કુદરતી આપત્તિઓ વખતે આ ટીમ રાહત કામગીરીમાં પણ જોડાઈ હતી
–આખી દુનિયામાં એક માત્ર પાંચ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે
–ટીમમાં અત્યારે ૧૮ પાયલોટ તેમજ હેલિકોપ્ટરની જાળવણી માટેની મેન્ટેનન્સ ટીમ સહિત ૧૫૦ સભ્યો છે.જેમાં ૩ મહિલા પાયલોટનો પણ સમાવેશ થાય છે.
એર શોના ચાર થી પાંચ કલાક પહેલાથી પાયલોટો સજ્જ થવા માંડે છે
વિંગ કમાન્ડર અભિજિત કુમારે કહ્યું હતું કે, દરેક એર શોની શરુઆતના ચાર થી પોચ કલાક પહેલાથી ટીમની તૈયારી શરુ થઈ જાય છે.હેલિકોપ્ટર પાયલોટનું બ્રિફિંગ યોજવામાં આવે છે.મેન્ટેનન્સ ટીમ હેલિકોપ્ટરોની બારીકાઈથી ચકાસણી કરે છે.એર શો બાદ પણ પાયલોટોના પરફોર્મન્સનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે.
એક પણ ચૂકને અવકાશ નથી હોતો, પાયલોટનું શાંત હોવું બહુ જરુરી
સારંગ ટીમમાં પાયલોટોને પસંદ કરવાની પ્રક્રિયા પણ આકરી છે.પહેલા તો પાયલોટને તેમાં સામેલ થવાની ફરજ પડાતી નથી.જે જોડાવા માંગતા હોય તેમની ફ્લાઈંગ સ્કિલ, ટીમ વર્ક, તેમનો વર્તાવ, એટિટયૂડ, માનસિક સજ્જતા એમ તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે.એ પછી તેમની ટ્રેનિંગ શરુ થાય છે.સારંગ ટીમના પાયલોટ માટે માનસિક રીતે શાંત હોવું બહું જરુરી હોય છે.કારણકે એર શોમાં ૧૫૦ થી ૨૦૦ કિલોમીટરની સ્પીડે હેલિકોપ્ટર આકાશી દાવપેચ દર્શાવતા હોય ત્યારે એક પણ ભૂલને અવકાશ રહેતો નથી.










