![]()
Ahmedabad Sports Club Bomb Threat: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબના એક રૂમના લોકરમાંથી દસ દિવસ પહેલાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતી ચિઠ્ઠી મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રૂમમાં રોકાયેલા સુરતના એક વેપારીના પરિવારના 12 વર્ષના બાળકે ‘ધુરંધર’ ફિલ્મ જોઈને આ ચિઠ્ઠી લખી હતી અને લોકરમાં મૂકી દીધી હતી. આ મામલે નારણપુરા પોલીસે જાણવાજોગ નોંધ કરીને સગીર બાળકનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
કેવી રીતે તપાસની કડીઓ જોડાઈ?
નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબના રૂમ નંબર 119માં હાઉસકીપિંગ સ્ટાફ ડિજિટલ લોકર સાફ કરી રહ્યો હતો, ત્યારે તેમને તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં એક આતંકી સંગઠનના નામે આગામી 21 જૂનના રોજ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ક્લબના મેમ્બર ડૉ. પલકે આ રૂમ તાન્ઝાનિયાથી આવેલા વેપારીઓ માટે બુક કરાવ્યો હતો. જેથી પોલીસે સૌપ્રથમ તાન્ઝાનિયાના વેપારીઓની પૂછપરછ કરી હતી, પરંતુ તેમણે લોકરનો ઉપયોગ જ ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
સુરતના વેપારીના બાળકનું નામ આવ્યું સામે
ત્યારબાદ પોલીસે આ રૂમનું અગાઉનું બુકિંગ ચેક કર્યું, જેમાં જાણવા મળ્યું કે ડૉ. પલકે અગાઉ સુરતમાં રહેતા તેમના ભાઈ અને કાપડના વેપારી શ્યામ ભણસાલીના પરિવાર માટે આ રૂમ બુક કરાવ્યો હતો. પોલીસે જ્યારે શ્યામ ભણસાલી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે સમગ્ર સત્ય સામે આવ્યું હતું.
ડિજિટલ લોકરનો પાસકોડ લોક થઈ ગયો અને..
તેમના 12 વર્ષના દીકરાએ ‘ધુરંધર’ ફિલ્મથી પ્રભાવિત થઈને આ ધમકીભરી ચિઠ્ઠી લખી હતી અને રમત-રમતમાં લોકરમાં મૂકી દીધી હતી. ચિઠ્ઠી મૂક્યા બાદ બાળકે તેને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ ડિજિટલ લોકરનો પાસકોડ લોક થઈ જતાં તે ચિઠ્ઠી અંદર જ રહી ગઈ હતી. હાલ નારણપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









