![]()
44 દિવસ અગાઉ રોડ નબળી કક્ષાનો બન્યો હતો
રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવેલો રોડ 50 મીટર તૂટી ગયો, કોન્ટ્રાક્ટર પોતના ખર્ચે રોડ ફરી બનાવશે
આણંદ: આણંદના કપાસિયા બજારમાં દિવાળીના એક દિવસ અગાઉ રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ ૨૩ લાખના ખર્ચે બનાવેલો તકલાદી આરસીસી રોડ તોડવાનું શરૂ કર્યું છે. આ ૫૦ મીટરનો રોડ ભંગાર થતાં મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવાયું નથી. ૫૦ મીટરનો તૂટી ગયો છે તેટલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે.
આણંદના કપાસિયા બજાર વિસ્તારમાં ટાવરથી કૈલાશ ભૂમિ તરફ જતા રોડ ઉપર રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીને રૂ. ૨૩ લાખનો આરસીસી રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકાએ અપાયો હતો. જે રોડ માટે દિવાળીના આગળના દિવસે આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ કરાયું હતું.
નૂતન વર્ષની વહેલી સવારથી જ રોડ ઉપર વાહન વ્યવહાર શરૂ થઈ જતા આરસીસી રોડમાં ખાડા પડી ગયા હતા અને કપચી પણ ઉખડી ગઈ હતી.
આ વિસ્તારના રહિશોએ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગુરૂવારે સવારે જેસીબી દ્વારા કપાસિયા વિસ્તારના અમુક ભાગના આરસીસી રોડ તોડવાનું કામની શરૂઆત કરી છે.
– આડેધડ વાહન વ્યવહારથી રોડની ગુણવત્તા પર અસર થઈ હતી : મનપા ડે. કમિશનર
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, દિવાળીની રાત્રે રોડ બનાવવામાં આવ્યો હતો અને આડસો પણ મૂકવામાં આવી હતી. પરંતુ વાહન ચાલકો દ્વારા આડેધડ નવા બનાવેલા આરસીસી રોડ ઉપર અવરજવર કરાતા રોડની ગુણવત્તા ઉપર અસર થઈ હતી. જે સંદર્ભે ફરિયાદો થવાથી મનપા દ્વારા રવિરાજ કન્સ્ટ્રક્શનને રૂ. ૨૩ લાખના બિલની ચુકવણી કરવામાં આવી ન હોતી. હાલ આ આરસીસી રોડ ફરીથી કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવા માટે લેખિતમાં જાણ કરવાથી ૫૦ મીટરથી વધુ રોડ તૂટી ગયો હતો તે રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે બનાવી રહ્યો છે મનાપા દ્વારા કોઈ પણ જાતના બિલની ચુકવણી કરવામાં આવશે નહીં.










