![]()
– એસજીએસટી ભાવનગર ડિવિઝન હેઠળના 6 ઘટકમાં
– 30 જુન 2025 સુધીમાં સ્કિમ હેઠળ લાભ લેવા 278 અરજીઓ આવી, વિભાગને રૂ. 6.42 કરોડની આવક
ભાવનગર : જીએસટી વિભાગ દ્વારા કરદાતાને વ્યાજ અને દંડમાં રાહત આપવા માટે લાવવામાં આવેલી એમનેસ્ટી સ્કિમ હેઠળ એસજીએસટી ભાવનગર ડિવિઝનના કુલ ૬ ઘટકોમાં ૨૭૮ અરજીઓ આવી હતી. જે પૈકી ૨૬૫ કરદાતાઓએે આ સ્કિમ હેઠળ દંડ અને વ્યાજમાં રાહત મેળવી છે, આનાથી વિભાગને રૂ.૬.૪૨ કરોડની આવક થઈ છે.
જીએસટી કાયદાની કલમ-૭૩ હેઠળ કરદાતાએ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ની કોઈ રકમ ભરવાની બાકી રહી હોય તેના માટે જીએસટી વિભાગ દ્વારા આ રકમના દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપવા માટે જીએસટી એમનેસ્ટી સ્કીમ-૨૦૨૪ લાવવામાં આવી હતી. જેમાં ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા વેરાની સંપૂર્ણ રકમ ભરી તથા ૩૦ જુન સુધીમાં કરદાતાએ પોર્ટલ પર વ્યાજ અને દંડની માફી માટેની અરજી કરી આ સ્કિમનો લાભ લઈ શકે છે. સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝનના પાંચ ઘટકોમાં ૩૦ જુનની સ્થિતિએ એમનેસ્ટી સ્કિમનો લાભ લેવા માટેની કુલ ૨૭૮ કરદાતાઓની અરજીઓ આવી હતી. જેમાંથી ૨૬૫ કરદાતાઓને આ યોજના હેઠળ વ્યાજ અને દંડમાં રાહત મળી છે. જેમાં ભરપાઈ કરેલા વેરાની રકમ રૂ.૬.૪૨ કરોડ થઈ છે.










