![]()
અમદાવાદ, શનિવાર
શહેરના શીવરંજની ચાર રસ્તા પાસે આવેલા કેસી હોલીડેઝમાં દુબઇ અને દેશોની ટુર પેકેજના નામે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થઇ જનાર દંપતિ વિરૂદ્ધ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં છેતરપિંડીનો આંક કરોડો રૂપિયા થવાની શક્યતા છે.
નિકોલ સુવાસ રેસીડેન્સીમાં રહેતા કુંજન પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને શીવરંજની ચાર રસ્તા પાસે આવેલી કે સી હોલીડેઝ નામની એક ટુર ટ્રાવેલ્સ અંગે માહિતી મળી હતી. જેમાં દુબઇના આકર્ષક પેકેજ ઓફર કરે છે.જેથી તેમણે ઓફિસ પર જઇને તપાસ કરતા કિરણ ચંદ્રકાંત ચૌહાણ અને તેની પત્ની પારૂલ સાથે મુલાકાત થઇ હતી. તેમણે ૭૧ હજારમાં પ્રતિ વ્યક્તિ દુબઇનું પેકેજ આપ્યું હતું. જેના નાણાં તેમની સ્ટાફને આપ્યા હતા. જેમાં તેમને ૨૦ સપ્ટેમ્બરની તારીખે દુબઇ જવાનું હતું. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે કિરણ ચૌહાણ અને તેની પત્ની પારૂલ દુબઇ અને અન્ય દેશોના પ્રવાસના નામે કરોડો રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. આ અંગે સેેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં અનેક મોટા ખુલાસા થઇ શકે તેમ છે.










