![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ન વી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળતાં ઘઘરઆંગણે રૂપિયો ગબડયો હતો.
ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૩.૬૮થી વધી ૯૯ની નજીક પહોંચી ૯૭.૯૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૦.૯૪ વાળા વધી ૯૭ થઈ ૯૫.૬૪ ડોલર રહ્યા હતા.
અમેરિકાની સરકારે તાજેતરમાં ક્રૂડતેલના પોતાના વ્યુહાત્મક સ્ટોકમાંથી નોંધપાત્ર જથ્થામાં ક્રૂડતેલનું વેંચાણ કરતાં ત્યાં ક્રૂડનો આવો વ્યુહાત્મક સ્ટોક ઘટી ૪૦ વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ત્યાં આ વર્ષના આરંભમાં આવો સ્ટોક ૪૧૩૦ લાખ બેરલ્સ હતો તે હવે ૩૬૫૦ લાખ બેરલ્સ થઈ ગયો છે. તાજેતરમાં ત્યાં સરકારે આ સ્ટોકમાંથી ૯૧થી ૯૨ લાખ બેરલ્સ ઓઈલ વેંચ્યાના સમાચાર આવ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. વિશ્વ બજાર પાછ ઘરઆંગણે આજે ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૫૨૬થી ૪૫૨૭ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૪૩૯ થઈ ૪૪૫૯થી ૪૪૬૦ ડોલર રહ્યા હતા.
અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૬.૨૨થી ઘટી ૭૩.૯૬ ડોલર થઈ ૭૪.૪૬થી ૭૪.૪૭ ડોલર રહ્યાના સમાચાર હતા.
ક્રૂડતેલના ઉંચા ભાવના પગલે મલેશિયાની સરકારને ઓઈલ તથા ગેસ ક્ષેત્રમાં મહેસુલી આવક ૩૨ ટકા વધી મે માં ૯.૩૦ અબજ ડોલર પહોંચ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૪૪૧૫ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૩૬ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ આશરે રૂ.૪૦૦૦ તૂટી જીએસટી વગર ભાવ રૂ.૨૬૧૫૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૩૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૫૫ ડોલર રહ્યા હત. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૦૨ ટકા તૂટયા હતા.










