![]()
મુંબઈ : ક્રુડ તેલના પ્રતિ બેરલ ભાવ જો ૩-૬ મહિના સુધી ૧૦૦ ડોલરની ઉપર રહેશે તો વર્તમાન વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસ દરમાં અડધા ટકાનો ફટકો પડી શકે છે, એમ સરકાર દ્વારા અંદાજ મુકાયો છે. ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉપર તેને ઘરઆંગણે ડિલિવરી પાછળ પંદર ટકા જેટલો ખર્ચ લાગી જાય છે.
પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઊર્જાના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી દેશના નીતિવિષયકોએ ફુગાવા, બહારી પરિબળો તથા રાજકોષિય જોખમો પરના નિરીક્ષણને વધુ વ્યાપક બનાવ્યું છે.
ભારત તેની ક્રુડ તેલની આવશ્યકતામાંથી ૮૫ ટકાથી વધુ આયાત કરે છે અને મોટાભાગની આયાત હોર્મુઝ ખાડી મારફત થાય છે. આ ખાડી વ્યૂહાત્મક રીતે વિશ્વનો મહત્વનો શિપિંગ માર્ગ છે.
નૂર દરમાં વધારા, યુદ્ધના જોખમને કારણે ઊંચા વીમા પ્રીમિયમ, પરિવહન ખર્ચમાં વધારા તથા પૂરવઠા ખલેલને પરિણામે ભારતનું ક્રુડ તેલનું અસરકારક બિલ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
બ્રેન્ટ ક્રુડ તેલના ભાવ ૩-૬ મહિના સુધી પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની ઉપર જળવાઈ રહેશે તો ભારતના આર્થિક વિકાસ દર પર અડધા ટકાનો ફટકો પડી શકે છે, કારણ કે નૂર દરમાં વધારા, યુદ્ધના જોખમને કારણે ઊંચા વીમા પ્રીમિયમ તથા ઊંચા લોજિસ્ટિક ખર્ચને ધ્યાનમાં લેતા ક્રુડ તેલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૫ ડોલર જેટલો પડે છે, એમ એક સરકારી અધિકારીએ ગણતરી મૂકતા જણાવ્યું હતું.









