![]()
– મસ્જિદમાં આવવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી
– ડોક્ટરને સાહેદ તરીકે ન દર્શાવતા હેડ કોન્સ્ટેબલ સામે એસ.પી.એ તપાસ કરી 30 દિવસમાં રિપોર્ટ આપવા હુકમ
ભાવનગર : ગારિયાધારમાં પોણા બે વર્ષ પૂર્વે પિતા-પુત્ર ઉપર હુમલો કરવાના કેસમાં આઠ શખ્સને કોર્ટે સજા ફટકારી છે.
ગારિયાધારમાં મસ્જિદમાં રોજુ ખોલવા ગયેલા એક સગીરને મસ્જિદમાં ન આવવાનું કહીં માથાકૂટ કર્યા બાબતે સગીરના દાદા ઠપકો આપવા ગયાની દાઝ રાખી ગારિયાધામાં રહેતા ઈમરાનભાઈ મહમદભાઈ અગવાન અને તેના પિતા મહમદભાઈ અગવાન ઉપર ગત તા.૧૪-૩-૨૦૨૪ના રોજ રાત્રિના સમયે સમયે પાડોશમાં રહેતો નદીમ કાદભાઈ સેલોત, ઉજેફ રજાકભાઈ કળદોરિયા, ગફાર ગનીભાઈ મહેતર, હાસમ ગાજીભાઈ સેલોત, અસ્લમ કાદરભાઈ સેલોત, કાદર ગાજીભાઈ સેલોત, ઈરફાન હાસમભાઈ સેલોત અને સફરાજ કાદરભાઈ સેલોત નામના શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવના દોઢ માસ બાદ ભોગબનનાર મહમદભાઈ અવસાન પામ્યા હતા. આ અંગેનો કેસ ગારિયાધારના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી. સેજુની દલીલો, ભોગ બનનાર બાળસાહેદની જુબાનીને ધ્યાનમાં રાખી ન્યાયમૂર્તિ એચ.આ.ર ઠક્કરે તમામ આરોપીઓને આઈપીસી ૩૨૩ની કલમ હેઠળ એક-એક વર્ષની સાદી કેદ, રૂા.૧ હજારનો દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૪ હેઠળ એક વર્ષની સાદી કેદ, એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં તપાસ અધિકારી હે.કો. એમ.કે.મકવાણાએ ગારિયાધાર સીએચસીના તબીબને સાહેદ તરીકે ન દર્શાવી તપાસમાં ખામી રાખી હોય, તેની સામે જિલ્લા પોલીસ વડાએ જાતે ખાતાકીય તપાસ કરી તેનો રિપોર્ટ ૩૦ દિવસમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો છે.










