![]()
વડોદરાઃ ગોરવાની સ્કૂલના વિદ્યાર્થીઓને વિદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની એક સ્કૂલમાં પણ આવી જ રીતે પ્રિન્સિપાલ,વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી રૃ.૧૩.૭૫ લાખ પડાવી લેતાં તેની સામે ગુનો નોંધાયો છે.
અલકાપુરી વડીવાડી ખાતે આવેલી વિઠ્ઠલ વિદ્યાલયના વાલી અજય કરસનભાઇએ પોલીસને કહ્યું છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મોરેશિયસની કલ્ચરલ ટૂરના નામે સ્કૂલમાં એક મીટિંગ યોજાઇ હતી.જેના આયોજક કનુ બાલુભાઇ પટેલે વિદ્યાર્થીઓને રહેવા,જમવા અને ફ્લાઇટની ટિકિટની વાત કરી હતી અને ત્રણ મહિના સુધી તાલીમ પણ આપી હતી.
કનુ પટેલે જે વાલીને આવવું હોય તેના માટે રૃ.૫૦ હજાર નક્કી કર્યા હતા.જેથી અજયભાઇ અને તેમના પત્નીએ રૃ.૧ લાખ ભર્યા હતા.આવી જ રીતે પ્રિન્સિપાલ સંગીતા બેન સોનીએ રૃ.૫ લાખ,દીપકભાઇએ રૃ.૬.૧૫ લાખ,જાસ્મીનભાઇએ રૃ.૧.૧૦ લાખ અને અર્જુનભાઇએ રૃ.૫૦ હજાર આપ્યા હતા.
પરંતુ ત્રણ મહિના બાદ કનુ પટેલ ફોન રીસિવ કરતા નહતા.વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો પત્તો નહિ લાગતાં આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
સુભાનપુરાની સ્નેહધારા સોસાયટીમાં રહેતા હિમેશભાઇ ઓઝાએ પોલીસને કહ્યું છે કે,મારા પત્ની વંદનાબેન ગોરવાની સીકે પ્રજાપતિ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા ત્યારે ડિસેમ્બર-૨૦૨૪માં કનુ બાલુભાઇ પટેલ (પંડિત દિનદયાળ નગર,વુડાના મકાનમાં, યશ કોમ્પ્લેક્સ સામે,ગોત્રી)તેમને મળ્યા હતા. કનુ પટેલે તેઓ જુદીજુદી સંસ્થા ચલાવે છે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુએસ, મોરેશિયસ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને એક કોઓડનેટરને લઇજઇ તમામ ખર્ચ સંસ્થા કરે છે તેમ કહ્યું હતું.
ગોરવાની સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ સાથે ટૂરના નામે ૨.૮૭લાખ પડાવ્યા હતા
કનુ પટેલે ગોરવાની સી કે પ્રજાપતિ સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ વંદનાબેન ઓઝા સાથે મોરેશિયસની ટૂરના નામે ઠગાઇ કરતાં ગોરવા પોલીસમાં ફરિયાદ થઇ હતી.કને એ મોરેશિયસનું આમંત્રણ મળ્યાની વાત કરી પ્રવૃત્તિના ફોટા પણ બતાવ્યા હતા.ત્યારબાદ તેણે પ્રિવિઝિટના નામે પ્રિન્સિપાલ અને તેમના પતિના નામે ૫૧૬૦૦,કરન્સી એક્સ્ચેન્જ માટે ૮૭૬૦૦,ગિફ્ટમાં ૩૦ ગ્રામ ગોલ્ડ મળવાનું છે અને એક વ્યક્તિ ૧૦ ગ્રામ જ લાવી શકશે.જેથી તમારે ત્રીજી વ્યક્તિને પણ સાથે રાખવી જોઇએ તેમ કહી રૃ.૯૦ હજાર મળી કુલ રૃ.૨.૮૭ લાખ પડાવતાં ફરિયાદ નોંધાઇ હતી.










