![]()
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં એક વૃધ્ધનો કેરટેકર ચોરીની બુટ્ટીઓ સાથે પકડાયો અને કબૂલાત કરી ત્યારે વૃધ્ધને તેને ત્યાં ચોરી થયાની જાણ થઇ હતી.
વીઆઇપી રોડ પર પદ્માવતી નગરમાં રહેતા ઉષાબેન ભાવસારે પોલીસને કહ્યું છે કે,મારા પતિને ચાર વર્ષથી લકવાની અસર હોવાથી પલક કેર ટેકરના સંતોષ કુલકર્ણીનો સંપર્ક કરી સુનિલ સિમોન ખ્રિસ્તી(વાસી વઘાસી ગામ,આણંદ)ને ગઇ તા.૯મીએ મોકલ્યો હતો.પરંતુ તે પાંચ જ દિવસ બાદ કહ્યા વગર ચાલ્યો ગયો હતો.જેથી અમે સંતોષ ભાઇને જાણ પણ કરી હતી.
દરમિયાનમાં ગોરવા પોલીસે સોનાની બુટ્ટી સાથે સુનિલને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે કેરટેકર તરીકે કામ કરતો હતો તે ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે ઉષાબેનને ફોન કરીને જાણ કરતાં તેમને પોતાના ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.આ અંગે હરણી પોલીસે ઉષાબેનની ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે.










