![]()
‘ફાતેમા અમારા પ્રેમની નિશાની છે, તું એને આપી દે નહીંતર સારાવાટ નહીં રહે’
પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હતી, પ્રેમીએ પુત્રીનો કબજો માંગતાં ગૃહસ્થે ઘરની ટાંકીમાં અઢી વર્ષની પુત્રીને નાખી પોતે પણ ઝંપલાવ્યું
જસદણ: જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા ફીયાજ આરીફભાઈ પરીયાણીની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી સાથે નાસી જતા અને અઢી વર્ષની પુત્રી તેમના પ્રેમની નિશાની હોવાથી તે આપી દેવા પ્રેમીએ માગણી કરતા લાગી આવવાથી ફીયાઝે પુત્રી સાથે પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેમણ ફીયાજ આરીફભાઈ પરીયાણી (ઉ.વ.૩૨) અપરિણીત નાના ભાઈ, માતા, પાંચ વર્ષના પુત્ર અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે. ફીયાઝની માતા હસીનાબેને કહ્યું કે ‘મારી પુત્રવધૂ ફિરદોષને ત્રણ વર્ષથી અમારા મકાનની સામે ઓફિસમાં કામ કરતા લાલા ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે ઘરમાં સારી રીતે રહેતી પણ નહોતી અને અવાર-નવાર ઝઘડા કર્યા રાખતી હતી. આઠ દિવસ પહેલા તે લાલા ખીમાણી સાથે નાસી ગઈ હતી. આ દરમિયાન લાલાએ ફીયાજને ફોનમાં કહ્યું હતું કે ‘અઢી વર્ષની પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની છે તું એને આપી દે નહિતર સારાવાટ નહીં રહે.’ આવી માગણી કરતા ફીયાજ સુનમુન થઈ ગયો હતો.’
‘આજે સવારે બધા નીચે સુતા હતા ત્યારે ફીયાજ પુત્રીને લઈ ઉપર જઈ પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લીધો હતો. આ બન્ને ઘરે ન દેખાતા સવારે અમે શોધખોળ કરી પણ મળી ન આવતા પરિવારજનોને જાણ કરતા ઉપર પાણીના ટાંકામાં બંને મળી આવ્યા હતા.’ આ બનાવની જાણ થતા જસદણ પોલીસ અને મેમણ સમાજના આગેવાનો મૃતકના પરિવારને ત્યાં પહોંચી ગયા હતા. પિતા -પુત્રીની ડેડબોડી પીએમ માટે જસદણ સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા. માત્ર એક હજાર લિટરની ટાંકીમાં પડવાથી શંકાસ્પદ મોતની સ્થિતિમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.










