![]()
વડોદરા,કલેક્ટર કચેરીમાં આજે મળેલા જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિમાં રોડ, પ્રોપર્ટી કાર્ડ, એસ.ટી. બસની સુવિધા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.
આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઇ હતી. વરસાદની સિઝન પછી ગ્રામ્ય વિસ્તારના ખખડધજ માર્ગો સત્વરે રિપેર કરવાની રજૂઆત હતી. તેમજ કેટલાક રૃટ પર એસ.ટી.બસ આવતી નહી હોવાથી તેમજ એસ.ટી.બસો ઉભી રહેતી નહીં હોવાની સમસ્યાનું નિવારણ લાવવા જણાવવામાં આવ્યું હતું. બિસ્માર હાલતની સરકારી હોસ્પિટલના રિનોવેશન અને નવી બિલ્ડિંગ માટે પણ રજૂઆત થઇ હતી. જિલ્લાના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ માટે પડતી સમસ્યા તરફ પણ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જમીનોના રિ સર્વે માટે પણ સત્વરે કામગીરી કરવા રજૂઆત થઇ હતી.










